સુરેન્દ્રનગરઃ ચુડા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય (કેજીબીવી)માં અભ્યાસ કરતી અને રહેતી સગીર વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ઝેરી દવા પીધા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કેજીબીવી હોસ્ટેલમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું.


ધોરણ-11 સાયન્સમાં ભણતી સાયલાના ગઢ-સિરવાણિયાની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. કેજીબીવીના સંચાલકો સામે બેદરકારીના આક્ષેપ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. જોકે પોલીસે યોગ્ય પગલાંની ખાતરી આપતાં 5 કલાકે મૃતદેહ સ્વીકારાયો હતો.


રવિવારે બપોરે મૃતક દેવુબેનને સાથે કેજીબીવીમાં રહી ધો. 11 સાયન્સમાં જ અભ્યાસ કરતી ચાચકા ગામની વર્ષાબેન મુકેશભાઈ ધોડકિયા સાથે બોલાચાલી થઈ હતી. આ અંગે વર્ષાબેને તેમના પિતા અને કેજીબીવી મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષને ફરિયાદ કરી હતી. આ પછી કેજીબીવીના વોર્ડન નિતુબેન માલકીયાએ બંને વિદ્યાર્થિનીને ઠપકો આપ્યો હતો. દેવુબેનના વાલીને બોલાચાલી અને ઝઘડા બાબતે જાણ કરવાની ચીમકી પણ આપી હતી.


પરિવારને જાણ કરવાની વાત થતાં દેવુબેન રૂમમાં જતા રહ્યા હતા તેમજ ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને ઉલટી થવાની શરૂ થઈ જતાં અન્ય વિદ્યાર્થિનીઓએ વોર્ડનનને જાણ કરી હતી. આથી તાત્કાલિક વિદ્યાર્થિનીને ચુડા સીએચસીમાં ખસેડાઈ હતી. અહીં પ્રાથમિક સારવાર આપ્યા પછી તબિયત વધુ લથડતા સુરેન્દ્રનગર ખસેડવામાં આવી હતી. અહીં બુધવારે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. 


બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે ચારિત્ર બાબતે બોલાચાલી થઈ હોવાનું વોર્ડને જણાવ્યું હતું. વોર્ડને તેમને આ અંગે ઠપકો આપ્યો હતો. એક વિદ્યાર્થિના વાલીને બોલાવ્યા હતા. જોકે, મૃતકના વાલી આવી શક્યા નહોતા. જોકે, વિદ્યાર્થિની દવા ક્યાંથી લાવી તેને લઈને પ્રશ્નાર્થ થઈ રહ્યા છે.