મુંબઇઃમુંબઇના હિંદમાતા વિસ્તારમાં રવિવારે કથિત રીતે ઓનલાઇન ગેમિંગની લતના કારણે એક 14 વર્ષના છોકરાએ આત્મહત્યા કરી લીધી હતી. ભોઇવાડા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું ગેમમાં કોઈ કાર્ય અથવા પડકારના કારણે છોકરાએ આત્મહત્યા કરી છે કે શું.


પોલીસે કહ્યું કે સાતમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઓનલાઇન ગેમ Garena Free Fireની લત લાગી હતી. આ ગેમ પર તાજેતરમાં જ ભારત સરકારે પ્રતિબંધ મુક્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક ખાનગી કંપનીમાં ડિઝાઇનરના રૂપમાં કાર્ય કરી રહેલા આ છોકરાના પિતાને રવિવારે સાંજે 7:22 વાગ્યે દીકરાનો ફોન આવ્યો હતો. તે સમયે તેના પિતા પત્ની સાથે પ્રવાસ કરી રહ્યા હતા જેથી કોલ રિસિવ કરી શક્યા નહી અને થોડા સમય બાદ સામે કોલ કર્યો પરંતુ છોકરાએ ફોન ઉપાડ્યો નહોતો.


માતા પિતા પોતાના ઘરે પાછા ફર્યા તો તેમણે છોકરાનો રૂમ અંદરથી બંધ જોયો હતો. પિતાએ દરવાજાના ઉપર આવેલી કાચની ફ્રેમ તોડી અને દરવાજો ખોલી જોયું કે તેમના દીકરાએ આત્મહત્યા કરી લીધી છે. ભોઇવાડા પોલીસને આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેઇએમ હોસ્પિટલમાં મોકલી દેવાયો હતો.


ઝોન-4ના ડેપ્યુટી પોલીસ કમિશનર વિજય પાટીલે કહ્યું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે છોકરાને ફ્રી ફાયર ઓનલાઈન ગેમની લત હતી પરંતુ તેણે આત્મહત્યા કેમ કરી તે પાછળનું કારણ રહસ્ય છે. જોકે, માતા-પિતા અને શાળાના શિક્ષકે જણાવ્યું છે કે છોકરામાં ગેમિંગની લતની કોઈ નિશાની દેખાતી નહોતી અને તે તેજસ્વી વિદ્યાર્થી હતો અને ક્રિકેટનો શોખીન હતો.


એક પોલીસ અધિકારીએ કહ્યું, તે જે ઑનલાઇન ગેમનો વ્યસની હતો તે ગ્રુપમાં રમવાની  હોય છે. તેથી અમે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેની સાથે રમનારા મિત્રો કોણ હતા. જેથી જાણી શકાય કે શું રમત દરમિયાન એવું કાંઇ બન્યું હતું કે તેણે આપઘાત કર્યો હતો.


પોલીસે તેનો મોબાઈલ ફોન ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યો છે જેથી તેનો તમામ ડેટા મેળવવામાં આવી રહ્યો છે.  તેના ફોન કોલ ડિટેલ્સ અને ઈન્ટરનેટ બ્રાઉઝિંગ હિસ્ટ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, તે મોટાભાગે ઇન્ટરનેટ પર ઑનલાઇન ગેમ અને ક્રિકેટને લગતી ઑનલાઇન સાઇટ્સ સર્ફ કરતો હતો. મોબાઇલ ગેમનું સર્વર સિંગાપોરમાં આવેલું હોવાથી અમે તરત જ છોકરાની ગેમિંગ પ્રવૃત્તિની વિગતો મેળવી શકતા નથી એમ ડીસીપી પાટીલે જણાવ્યું હતું.


ભોઇવાડા પોલીસના વરિષ્ઠ નિરીક્ષક જિતેન્દ્ર પવારે જણાવ્યું હતું કે છોકરાએ લખેલી કોઈ ચિઠ્ઠી મળી નથી. તેના મિત્રો સાથેની મોબાઈલ વાતચીતમાંથી કોઈ મહત્વની વાત મળી નથી. તેના શિક્ષકો કહે છે કે તે હોશિયાર હતો. તેના માતા-પિતાએ પણ કોઈ શંકાસ્પદ હિલચાલની  ફરિયાદ કરી નથી. અમે આકસ્મિક મોતની ઘટના નોંધી છે. અમે તપાસ કરી રહ્યા છીએ. ડીસીપીએ કહ્યું કે,  સરકાર દ્વારા પ્રતિબંધિત 54 એપ્સની યાદીમાં ગરેના ફ્રી ફાયરને સામેલ કરવામાં આવી હતી. સરકારે આ મોબાઈલ એપ્લીકેશનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો કારણ કે તે કથિત રીતે ભારતની સુરક્ષા માટે ખતરો છે.