Crime News: ડાયમંડ નગરી સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના સરથાણામાં 15 વર્ષ 8 માસની કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ટેમ્પમાં બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પરિવાર કે બીજાને જાણ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ અને ફોટાઓ વાયરલ કરી દઇશ તેવી ધમકીઓ પણ આપી હતી.
સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 29 વર્ષીય પપ્પુ રાધેશ્યામ નામના ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસે આરોપી રાધેશયમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને દુષ્કર્મના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. વધતા ક્રાઈમને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા વિસ્તારમાં સગીરા નરાધમનો ભોગ બની છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરાએ ઉછીના લીધેલા રૂપિયા પાછા ન આપી શકતા નરાધમે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બનતા આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. બાદમાં પરિવારના સભ્યો દ્વારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ આરોપી રાકેશ ધોબી વિરૂદ્ધ નિઝર પોલીસ મથકમાં પોક્સો એક્ટ તેમજ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.
પોલીસકર્મીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે વારંવાર બાંધ્યા શરીરસંબંધ
અમદાવાદમાં પોલીસકર્મીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પીડિત મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપી પોલીસકર્મી મહેન્દ્ર ચાવડા 7 વર્ષથી પીડીત મહિલાના સંપર્કમાં હતો અને પરણિત હોવા છતાંય પીડિત મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના કારણે બે વાર પીડિત મહિલાએ ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. પીડિત મહિલા સાથે આરોપી પોલીસકર્મીએ લીવ ઈન રિલેશનશીપનો કરાર કર્યા બાદ ફેરવી તોળતા ફરિયાદ નોંધાઈ હતી.
મુળી ગામથી અમદાવાદ ખાતે લગ્નમાં આવેલી યુવતી સાથે બાપુનગરમાં નોકરી કરતાં પોલીસ કર્મીએ પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આ યુવકે યુવતી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. પરંતુ યુવતીએ બે વખત ગર્ભપાત કરાવી દીધો હતો. આરોપી પોલીસ કર્મીએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતાં. આ બાબતની યુવતીને જાણ થતાં આરોપી પોલીસ કર્મીએ તેની પત્ની સાથે છુટા છેડા લેવાની વાત કરીને યુવતી સાથે લિવ ઈનમાં રહેવાનો કરાર કર્યો હતો. યુવતીએ લગ્નને લઈને દબાણ કરતાં પોલીસકર્મીએ ધમકીઓ આપીને ગાળો બોલી હતી. જેથી યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવી છે.