મુંબઈના સાંતાક્રુઝમાં રવિવારે એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ અન્ય લોકો ઘાયલ થયા છે. અનેક ફાયર ફાયટર  ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આગ સાંતાક્રુઝની ગેલેક્સી હોટલમાં લાગી હતી. લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી પણ ચાલી રહી છે. 






હોટલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. મળતી માહિતી મુજબ હોટલમાં આગ લાગવાની જાણકારી લોકોને મળતા જ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. લોકો ઝડપથી આમતેમ દોડવા લાગ્યા હતા. એલાર્મ વગાડીને હોટલને ઝડપથી ખાલી કરાવવામાં આવી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે લગભગ 1.17 વાગ્યે ગેલેક્સી હોટલના ત્રીજા માળે આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સાંતાક્રુઝ પૂર્વના પ્રભાત કોલોની વિસ્તારમાં આવેલી ગેલેક્સી હોટલમાં રવિવારે બપોરે અચાનક આગ લાગી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે.


સાંતાક્રુઝ પોલીસે જણાવ્યું કે ગેલેક્સી હોટલમાં લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. હોટલ બિલ્ડિંગની અંદર રહેલા તમામ લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.  


મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં રવિવારે  ત્યારે હાહાકાર મચી ગયો જ્યારે ગેલેક્સી હોટલમાંથી અચાનક આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી.  હોટલના ચોથા માળે રૂમ નંબર 204 થી આગ લાગવાની શરુઆત થઈ. થોડી જ વારમાં આગ ત્રીજા માળે પહોંચી. ધુમાડા અને આગ વચ્ચે મોટાભાગના લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ 8 લોકો ફસાયા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકોને વીએન દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.