મુંબઈની એક કોર્ટે લગ્નના બહાને એક મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા એક NRI વૈજ્ઞાનિકને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું કે જો કોઈ મહિલા સંપૂર્ણ સમજી વિચારીને શારીરિક સંબંધ બાંધે છે તો તેને 'ખોટા વચન' ની ગેરસમજ માની શકાય નહીં. અહીં, એવા કોઈ નક્કર પુરાવા નથી કે આરોપીએ જાણી જોઈને ખોટું વચન આપ્યું હતું.

આ મામલો સપ્ટેમ્બર 2019માં શરૂ થયો હતો જ્યારે બંને એક મેટ્રિમોનિયલ વેબસાઇટ મારફતે મળ્યા હતા. એકબીજાની પ્રોફાઇલ લાઈક કર્યા પછી બંનેએ ફોન અને મેસેજ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું હતુ. 31 ડિસેમ્બર, 2019ના રોજ તેઓ નવા વર્ષની ઉજવણી માટે મુંબઈમાં મળ્યા હતા. આ સમય દરમિયાન બંનેએ અંધેરીની એક ફાઇવ સ્ટાર હોટેલમાં ચેક ઇન કર્યું હતું.

મહિલાનો આરોપ હતો કે આરોપીએ તેને લગ્નનું વચન આપ્યું હતું અને પછી તેના પીણામાં નશીલો પદાર્થ ભેળવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બંનેએ હોટલમાં રાત વિતાવી અને પછી પાર્ટી માટે ક્લબમાં પણ ગયા હતા. બીજા દિવસે તેઓ હોટલમાંથી ચેક આઉટ કરીને અલગ થઇ ગયા હતા. આ પછી આરોપીએ મહિલાથી દૂર રહેવાનું શરૂ કર્યું. તેણે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પીડિતાએ કેસ દાખલ કર્યો હતો.

કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષે વોટ્સએપ ચેટના રેકોર્ડ રજૂ કર્યા હતા. આનાથી સાબિત થયું કે બંનેએ એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત એ પણ બહાર આવ્યું કે મહિલાએ મેટ્રિમોનિયલ વેબસાઇટ પર પોતાની વૈવાહિક સ્થિતિ અપરિણીત તરીકે ઉલ્લેખ કરી હતી જ્યારે તે પહેલાથી જ પરિણીત હતી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી ચૂકી હતી.

કોર્ટે કહ્યું હતું કે મહિલાએ આરોપીના સાથનો આનંદ માણ્યો હતો. એટલું જ નહીં હોટલના કોઈપણ સ્ટાફને પણ કોઈ ફરિયાદ કરી ન હતી. આ સિવાય ફરિયાદ દાખલ કરવામાં છ દિવસના વિલંબ માટે કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું ન હતું. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પીડિતાએ સ્વીકાર્યું છે કે આરોપીએ એપ્રિલ 2020માં તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

આનાથી સાબિત થાય છે કે આરોપીએ લગ્ન કરવાનો તાત્કાલિક ઇનકાર કર્યો ન હતો પરંતુ સંજોગો મુશ્કેલ હતા. એડિશનલ સેશન્સ જજ કિશોર મોરેએ પોતાના ચુકાદામાં કહ્યું, "જ્યારે કોઈ મહિલા આવી ક્રિયાના પરિણામોને સમજવા છતાં સહમતિથી શારીરિક સંબંધ બાંધે છે, ત્યારે આવી સહમતિ હકીકતોની ગેરસમજ પર આધારિત માની શકાય નહીં."