CRIME NEWS: જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે સલીમ સાંઘ નામના વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. હત્યાના બનાવને પગલે વંથલી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ મૃતક સલીમ સાથે ગઈ કાલે સૌપ્રથમ બે શખ્સો દ્વારા બાઇક અથડાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના પર ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગ કરી બુકાનીધારી શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.


આ બાબતની જાણ થતા ગામ લોકો એકઠા થઇ ગયા હતા અને સલીમ સાંઘને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરઓએ તેમને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સમગ્ર મામલે હાલ પોલીસે કુલ બે આરોપી લતીફ સાંઘ અને મુસ્તાક ગામેતીની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ જૂના વેર ઝેરના કારણે સલીમની હત્યા કરાઈ હતી. હાલ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


 CRPFના પેરા કમાન્ડો પર ગંભીર આરોપ


નવસારી ખાતે CRPF પેરા કમાન્ડો પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. નવસારી શહેરમાં રહેતી યુવતી સાથે મિત્રતા કરી શારીરિક સબંધ બાંધી છેતરપિંડી કર્યાનો આક્ષેપ સેનાના જવાન પર લાગતા ખળભળાટ મચી ગયો છે. યુવતીને ધંધામાં રોકાણ કરાવવાની લાલચ આપી છૂટક રીતે 74 લાખ પડાવ્યાનો આરોપ લાગ્યો છે. જો કે, સમય વીતતાં યુવકે રૂપિયા પરત ન કરતા યુવતીને છેતરાયાની જાણ થઈ. શારીરિક સબંધ બનાવી રૂપિયા પડાવનાર ડિફેન્સ કર્મી સામે પોલીસ ફરિયાદ થઈ છે. યુવતીએ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. 


સગા બાપે પાંચ વર્ષ સુધી કર્યુ દીકરી પર દુષ્કર્મ


મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. સગા બાપે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. બાપ છેલ્લા પાંચ વર્ષથી સગી દીકરીને પીંખતો હતો. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.


કેવી રીતે ફૂટ્યો ભાંડો

દીકરી સગીરા હતી ત્યાંથી સગો બાપ દુષ્કર્મ આચરતો હતો. પીડિતા ઘરમાં બે ભાઈઓ અને માતા-પિતા સાથે રહેતી હતી. ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ગઈ તે દરમિયાન ભોગ બનનારે પોલીસને ઘરમાં નથી રહેવું તેમ વાત કરી હતી. બાદમાં પોલીસે સખીવન સ્ટોપનો સંપર્ક કરી ભોગ બનનારનું કાઉનસિલીંગ કર્યું હતું. જેમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી હતી.