નવસારીના આસુંદર ગામે પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, નવસારી જિલ્લાના આસુંદર ગામે પશુપાલન કરી ગુજરાન ચલાવતા સાદુલભાઈ મેપાભાઇ ભરવાડની લાશ ગત મહિનાની 30મી તારીખે કૂવામાંથી મળી આવ્યો હતો. જેમાં પોલીસે શંકા જતા હ્યુમન ઈન્ટેલિજન્સનો સહારો લઇને તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સાદુલભાઇની હત્યા અન્ય કોઇએ નહી પરંતુ તેમની પત્ની જ્યોતિએ કરી હતી.




પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે પત્ની જ્યોતિએ વાછરડું ખોવાઈ ગયું છે એમ કહી તેના પતિ સાદુલભાઈને ખેતરે લઈ જઈ કૂવામાં ધક્કો મારી કરી હત્યા કરી હતી. પોલીસે આરોપી પત્ની તેના પ્રેમી સહિત અન્ય એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


મળતી જાણકારી અનુસાર, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આસુંદર ગામે આડા સંબંધ ધરાવતી પત્ની જ્યોતિએ પ્રેમી મેહુલ મીર સાથે મળીને સોપારી આપી પતિ સાદુલભાઇની હત્યા કરાવી હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.




પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે જ્યોતિના મેહુલ મીર નામના નજીકના સંબંધી સાથે આડા સંબંધો હતા. મૃતક સાદુલ ભાઈ ને બાળકો ન થતા હોવાના કારણે ટ્રીટમેન્ટ ચાલતી હતી અને તે દરમિયાન મૃતકની પત્નીએ મેહુલ મીર સાથે આડા સંબંધો બાંધ્યા હતા. આ સંબંધોમાં જ્યોતિએ બાળકોને જન્મ આપ્યો હતો. જેને કારણે મૃતકે વારંવાર બાળકો કોના છે એ બાબતે પૂછતા પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા.  આડા સંબંધોમાં આડ ખીલી રૂપ ઊભા થયેલા પતિનું કાસળ કાઢી નાખવા માટે જ્યોતિ અને તેના પ્રેમીએ પોતાના નજીકના મિત્ર એવા અનિલ હળપતિને દસ હજાર રૂપિયા આપી હત્યાનું કાવતરું રચ્યું હતું. પોલીસની પકડમાં આવેલા ત્રણેય આરોપીઓએ વાછરડુ ખોવાઈ ગયું છે એમ કહીને મૃતક સાદુલભાઈને ખેતરે લઈ ગયા હતા અને કૂવામાં ધક્કો મારી દીધો હતો. કૂવામાં પડેલા સાદુરભાઈનું મોત નીપજતા સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસની સજાગતા એ કાવતરા પરથી પડદો ઉંચકી દીધો છે અને ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.