World Cup 2023 Pakistan vs England: વર્લ્ડ કપ 2023માં 12 નવેમ્બરે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. પરંતુ હવે આ મેચની તારીખ બદલાઈ શકે છે. બંગાળ ક્રિકેટ એસોસિએશને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને તારીખ બદલવાની વિનંતી કરી છે. કોલકાતા પોલીસે તાજેતરમાં 12 નવેમ્બરે મેચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને એસોસિએશન સાથે વાત કરી હતી. આ દિવસે બંગાળમાં કાલી પૂજાનો તહેવાર ઉજવવામાં આવશે.
બંગાળના ઘણા ભાગોમાં કાલી પૂજાનો તહેવાર 12 નવેમ્બરે ઉજવવામાં આવશે. ક્રિકઇન્ફોના એક સમાચાર અનુસાર, આ કારણોસર બંગાળના ક્રિકેટ એસોસિએશને BCCIને તારીખ બદલવાની વિનંતી કરી છે. એસોસિએશને મેચ 12મીને બદલે 11મી નવેમ્બરે યોજવાનું સૂચન કર્યું છે. કોલકાતા પોલીસે સુરક્ષા વ્યવસ્થાની સમસ્યા અંગે એસોસિએશન સાથે વાત કરી હતી. પોલીસ વિભાગની તાજેતરમાં બેઠક મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાવાની છે. આ મેચને લઈને અમદાવાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને અસમર્થતા જણાવી હતી. વાસ્તવમાં આ મેચ નવરાત્રીના પહેલા દિવસે યોજાશે. ગુજરાતના ઘણા ભાગોમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેના કારણે શહેરમાં ઘણી ભીડ રહેશે અને તે જ દિવસે મેચ યોજાવાને કારણે સુરક્ષા વ્યવસ્થા કથળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલીને 14 ઓક્ટોબર કરવામાં આવી છે. જોકે, BCCI કે ICCએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે. આ પહેલા પ્રથમ સેમી ફાઈનલ મેચ 15 નવેમ્બરે અને બીજી સેમી ફાઈનલ મેચ 16 નવેમ્બરે રમાશે.
ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે આમને-સામને ટકરાશે, જોકે, એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયાનો મુકાબલો 14 ઓક્ટોબરે બાબર આઝમની ટીમ સાથે થશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી, પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખરેખરમાં, નવરાત્રિનો પહેલો દિવસ 15 ઓક્ટોબરે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.