Fake ghee seized Ahmedabad: અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી અને શંકાસ્પદ ઘી વેચતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. કોર્પોરેશનની ટીમે શહેરના સીટીએમ (CTM), વટવા અને દૂધેશ્વર વિસ્તારમાં આવેલા 3 અલગ-અલગ ઠેકાણાઓ પર દરોડા પાડીને કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 31.81 લાખ રૂપિયા થાય છે. આરોગ્ય વિભાગે સ્થળ પરથી "રિધમ કાઉ ઘી" અને "વચનામૃત કાઉ ઘી" બ્રાન્ડના નમૂના લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સીટીએમ (CTM) ના સુપર સ્ટોકિસ્ટને ત્યાંથી મળ્યો મોટો જથ્થો
AMC ના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે બાતમીના આધારે દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલા સીટીએમ વિસ્તારની લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તપાસ હાથ ધરી હતી. અહીં અરવિંદભાઈ ત્રિકમચંદ નાગર નામના વેપારીના ગોડાઉનમાંથી અંદાજે 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી મળી આવ્યું હતું, જેની કિંમત આશરે 21.31 લાખ રૂપિયા થાય છે. ફૂડ વિભાગે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આ ઘીનો જથ્થો સીઝ કરીને આ આખા યુનિટને સીલ કરી દીધું છે.
પાલડી-કાકંજ ગામમાં થતું હતું ઉત્પાદન
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને બ્રાન્ડના ઘીનું ઉત્પાદન દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામના ઓડે-પીરાણા રોડ પર આવેલા 'સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ' નામના કારખાનામાં કરવામાં આવતું હતું. આ ઘી શહેરીજનોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતું હોવાની આશંકા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગળની તપાસ અને જરૂરી કાર્યવાહી માટે રાજ્ય સરકારના સંબંધિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને પણ વિગતો મોકલી આપી છે.
આ પણ વાંચોઃ તમે ખાતા ગોળમાં ભેળસેળ તો નથી ને? આ રીતે કરો અસલીની ઓળખ
વટવા અને દૂધેશ્વરના વિતરકો પર પણ ત્રાટકી ટીમ
સીટીએમ ખાતે તપાસ દરમિયાન અધિકારીઓને આ નકલી ઘીના નેટવર્કના અન્ય બે ડિસ્ટ્રિબ્યુટર્સ (વિતરકો) ની માહિતી મળી હતી. જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ-અલગ ટીમોએ તાત્કાલિક વટવા સ્થિત 'વીરકૃપા ટ્રેડિંગ' અને દૂધેશ્વર સ્થિત 'ત્રિશાલા એજન્સી' પર દરોડા પાડ્યા હતા. આ બંને જગ્યાએથી ટીમને વધુ 1,600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 10.49 લાખ રૂપિયા આંકવામાં આવી છે. અધિકારીઓએ આ જથ્થો પણ વેચાણ માટે અટકાવી દીધો છે.
લેબ રિપોર્ટ બાદ થશે કાયદેસરની કાર્યવાહી
આમ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીમાં કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ઘી સીઝ કરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી ઓફિસરોના જણાવ્યા મુજબ, અત્યારે તમામ ઘીના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. રિપોર્ટમાં ઘી સબ-સ્ટાન્ડર્ડ કે એડલ્ટ્રેટેડ (ભેળસેળયુક્ત) સાબિત થશે, તો જવાબદાર વેપારીઓ અને ઉત્પાદકો સામે ફૂડ સેફ્ટી એક્ટ, 2006 હેઠળ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચોઃ નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
