Mahavir Singh Sindhav: અમદાવાદના વૈભવી ગણાતા બોપલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન અને ડ્રગ્સ નેટવર્કની આશંકા ધરાવતો કુખ્યાત મહાવીરસિંહ સિંધવ ગઈકાલે સોમવારે (8 જૂન) રાત્રે બોપલના 'અક્ષર લકઝૂરીયા' ફ્લેટમાં ચોથા માળેથી નીચે પટકાતા મોતને ભેટ્યો છે. નશાની હાલતમાં પાડોશી સાથે ઝઘડો કર્યા બાદ, સ્થાનિકોએ પોલીસ બોલાવતા પકડાઈ જવાની બીકે ભાગવા જતાં મહાવીરસિંહનો પગ લપસી ગયો હતો અને તે નીચે પટકાયો હોવાનો પોલીસે દાવો કર્યો છે. આ મામલે બોપલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પાડોશી સાથે બોલાચાલી થઈ અને પીસીઆર વાન પહોંચી
પોલીસ તપાસમાંથી મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગરના ચોકડી ગામનો વતની અને માથાભારે ભૂતકાળ ધરાવતો મહાવીરસિંહ સિંધવ તાજેતરમાં જ બોપલના અક્ષર લકઝૂરીયા ફ્લેટમાં રહેવા આવ્યો હતો. સોમવારની રાત્રે મહાવીરસિંહે નશાની હાલતમાં પાડોશમાં રહેતા મુરત સોલંકી નામના વ્યક્તિ સાથે કોઈ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. તેના આતંકથી કંટાળીને ફ્લેટના લોકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર ફોન કરીને જાણ કરી હતી, જેથી પોલીસની પીસીઆર વાન તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.
પોલીસને જોઈને ભાગવા ગયો ને ખેલ ખતમ થઈ ગયો
સ્થાનિક લોકોએ પોલીસને બોલાવતા જ મહાવીરસિંહ ગભરાઈ ગયો હતો. પોલીસ પકડી જશે તેવા ડરથી બચવા માટે તેણે ચોથા માળે ગેલેરી કે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસી ગયો અને તે સીધો ચોથા માળેથી નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી નીચે પડવાના કારણે તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
દેવાયત ખવડના ડાયરામાં 10 કારના કાફલાથી આવ્યો હતો લાઈમલાઈટમાં
મહાવીરસિંહ સિંધવ અગાઉ આર્મીમાં હતો, પણ નોકરી છોડ્યા બાદ તે ગુનાખોરીની દુનિયામાં ધકેલાયો હતો. તેના વિરૂદ્ધ ભૂતકાળમાં લૂંટ અને ગુજસીટોક જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2020માં લોકસાહિત્યકાર દેવાયત ખવડના એક ડાયરામાં મહાવીરસિંહ 10 લક્ઝુરિયસ કારોના કાફલા સાથે પહોંચ્યો હતો અને લાખો રૂપિયાનો વરસાદ કરીને અચાનક ચર્ચામાં આવ્યો હતો.
પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે
આ તરફ મૃતકના પરિજનો અને મિત્રોએ જણાવ્યું કે, તેમને આજે વહેલી સવારે મળસ્કે આ ઘટનાની જાણ થઈ હતી, જેથી તેઓ તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ મહાવીરસિંહને મૃત જાહેર કર્યો હતો. બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ સુનિલ ચૌધરીએ જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ મહાવીરસિંહ પોલીસથી બચવા ભાગતી વખતે જાતે જ લપસીને નીચે પડ્યો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે મોકલી દેવાયો છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ વધુ સ્પષ્ટ થશે.
