digital arrest scam ahmedabad: અમદાવાદમાં સાઈબર ક્રાઈમ (Cyber Crime) નો અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાયબર ગઠિયાઓએ 82 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ પોતાને ઉચ્ચ અધિકારીઓ ગણાવી, વૃદ્ધને સેલિબ્રિટીને અશ્લીલ વીડિયો મોકલ્યાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સતત 20 દિવસ સુધી 'ડિજિટલ અરેસ્ટ' રાખીને તેમની પાસેથી 7.12 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ હાઈ પ્રોફાઈલ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 12 આરોપીઓની ધરપકડ કરી છે.
પોર્ન વીડિયો અને મની લોન્ડરિંગના નામે ભયનો ખેલ
આ ઘટનાની શરૂઆત 4 ડિસેમ્બરના રોજ થઈ હતી. ફરિયાદી પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને સામેવાળી વ્યક્તિએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના અધિકારી તરીકે ઓળખ આપી. ઠગે દાવો કર્યો કે પ્રોફેસરના આધાર કાર્ડનો ઉપયોગ કરીને મુંબઈથી સેલિબ્રિટીઝને પોર્નોગ્રાફી વીડિયો મોકલવામાં આવ્યા છે અને તેમની સામે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. આ સાંભળીને વૃદ્ધ ગભરાઈ ગયા હતા.
ત્યારબાદ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના લોગોવાળા નંબર પરથી વીડિયો કોલ આવ્યો. જેમાં નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમની સંડોવણી હોવાનો અને કેનેરા બેંકના ખાતા દ્વારા 2 કરોડના ગેરકાયદેસર વ્યવહારો થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો.
નકલી કોર્ટ અને ડિજિટલ અરેસ્ટનો આતંક
આરોપીઓએ વૃદ્ધને ડરાવવા માટે તમામ હદો વટાવી દીધી હતી. વોટ્સએપ પર નકલી FIR, CBI, RBI, ED અને ઈન્ટરપોલના લોગોવાળા લેટર્સ મોકલ્યા હતા. એટલું જ નહીં, ઓનલાઈન નકલી કોર્ટ ઉભી કરવામાં આવી હતી, જેમાં જજના વેશમાં એક વ્યક્તિએ સુનાવણીનું નાટક કર્યું હતું. પીડિતને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ તપાસમાં સહકાર નહીં આપે તો તેમની ધરપકડ કરી કસ્ટોડિયલ ટોર્ચર કરવામાં આવશે. તપાસના બહાને તેમને સતત વિડીયો કોલ દ્વારા નજરકેદ (ડિજિટલ અરેસ્ટ) રાખવામાં આવ્યા હતા.
RBI માં વેરીફીકેશનના નામે 7.12 કરોડ ટ્રાન્સફર કરાવ્યા
ઠગબાજોએ વૃદ્ધની તમામ આર્થિક વિગતો મેળવી લીધી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમના ખાતામાં રહેલા નાણાં વેરિફિકેશન માટે RBI અને ED ને મોકલવા પડશે, જે તપાસ પૂરી થયા બાદ પરત મળશે. ડરના માર્યા વૃદ્ધે 16 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર વચ્ચે RTGS અને ચેક દ્વારા પોતાના HDFC અને SBI ખાતામાંથી કુલ 7.12 કરોડ (7.12 Crore) રૂપિયા આરોપીઓ દ્વારા અપાયેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. જ્યારે પૈસા પાછા ન મળ્યા ત્યારે તેમને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.
12 આરોપીઓ ઝડપાયા: રિક્ષાચાલકથી લઈને ગ્રેજ્યુએટ સુધી
અમદાવાદ સાયબર ક્રાઈમે ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદ અને સુરતથી કુલ 12 આરોપીઓ (12 Accused) ની ધરપકડ કરી છે.
ચોંકાવનારી વાત: પકડાયેલા 12 માંથી 10 આરોપીઓએ સ્કૂલનું શિક્ષણ પણ પૂરું કર્યું નથી, જ્યારે માત્ર 2 આરોપી ગ્રેજ્યુએટ છે.
આરોપીઓમાં રિક્ષાચાલકો, લેબર કોન્ટ્રાક્ટરો અને નાના વેપારીઓનો સમાવેશ થાય છે, જેમણે કમિશનની લાલચે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા.
કંબોડિયા કનેક્શન અને ક્રિપ્ટો કરન્સી
પોલીસ તપાસમાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ગેંગના તાર કંબોડિયા અને ચીની સાયબર માફિયાઓ સાથે જોડાયેલા છે. ભોગ બનનારના પૈસા જે એકાઉન્ટમાં આવ્યા હતા, ત્યાંથી તેને તરત જ USDT (ક્રિપ્ટો કરન્સી) માં કન્વર્ટ કરીને ટેલિગ્રામ ચેનલો મારફતે વિદેશી હેન્ડલર્સને મોકલી દેવામાં આવતા હતા. પોલીસને આવા 238 જેટલા 'મ્યુલ' બેંક એકાઉન્ટનું નેટવર્ક મળી આવ્યું છે.
સુરતના સોનીની સતર્કતાથી એક પ્લાન નિષ્ફળ
સુરતના આરોપી રાહુલ અને અનિકેતે ફ્રોડના પૈસા એક સોનીના ખાતામાં નાખીને સોનું ખરીદવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ સોનીના ખાતામાં અજાણ્યા એકાઉન્ટમાંથી પૈસા આવતા સોનીને શંકા ગઈ હતી. તેમણે સોનું આપવાની ના પાડી દીધી અને જે ખાતામાંથી પૈસા આવ્યા હતા, તે જ ખાતામાં પરત મોકલી દીધા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ: દશરથભાઇ નાયક, બ્રિજેશ શાહ, હિતેન્દ્ર સોલંકી, વિજયકુમાર કોરી, નયન પટેલ, જલદીપ ડાખરા, રોહન પટેલ, સુનીલ ધામેચા, જનકકુમાર ગઢાદરા, રાહુલ મોરડીયા, અનિલ મોરડીયા અને અનિકેત ઢોલા.