ahmedabad school pocso case: અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત LDR ઈન્ટરનેશનલ સ્કૂલમાં એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ભણતા એક નાના માસૂમ વિદ્યાર્થી સાથે સ્કૂલના જ સફાઈ કર્મચારીએ વોશરૂમમાં શારીરિક અડપલાં કર્યા છે. ડરી ગયેલા બાળકે ઘરે જઈને માતા-પિતાને જાણ કરતા આખો મામલો બહાર આવ્યો હતો. રોષે ભરાયેલા વાલીઓએ સ્કૂલમાં પહોંચીને ભારે હોબાળો મચાવતા સંચાલકોએ આરોપીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે અને બોપલ પોલીસે આરોપીની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

મળતી માહિતી મુજબ, સાઉથ બોપલની LDR ઈન્ટરનેશનલ સ્કૂલમાં પશાભાઈ નામનો એક સફાઈ કર્મચારી કામ કરતો હતો. તેનું મુખ્ય કામ સ્કૂલમાં સાફ-સફાઈ કરવાનું અને નાના બાળકોને વોશરૂમ સુધી લઈ જવાનું હતું. આ દરમિયાન આરોપી પશાભાઈ એક નાના વિદ્યાર્થીને વોશરૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં, આરોપીએ આ માસૂમ બાળકને એવી ધમકી પણ આપી હતી કે આ વાતની કોઈને જાણ ન કરે.

Continues below advertisement

આ હરકતથી બાળક ખૂબ જ ડરી ગયો હતો. તેણે ઘરે જઈને પોતાના માતા-પિતાને આખી આપવીતી જણાવી હતી. દીકરા સાથે થયેલી આ ઘટનાની વાત સાંભળીને વાલીઓના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. વાલીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક સ્કૂલે પહોંચી ગયા હતા. તેમણે સમગ્ર ઘટનાની જાણ સ્કૂલના વહીવટી તંત્રને કરી હતી.

ઘટનાની ગંભીરતાને સમજીને સ્કૂલ સંચાલકોએ તાત્કાલિક અસરથી આરોપી સફાઈકર્મીને સસ્પેન્ડ કરી દીધો હતો અને આ અંગેની તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને DPEO ને પણ ઘટનાની સત્તાવાર જાણ કરવામાં આવી છે. વાલીઓની ફરિયાદ બાદ બોપલ પોલીસ પણ તાત્કાલિક સ્કૂલ પર દોડી આવી હતી.

પીડિત બાળકના વાલીની ફરિયાદના આધારે બોપલ પોલીસે આરોપી સફાઈકર્મી પશાભાઈની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) સહિતની કડક કલમો નોંધી છે. આરોપીએ અગાઉ પણ અન્ય કોઈ વિદ્યાર્થી સાથે આવી ગંદી હરકત કરી છે કે કેમ તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ સ્કૂલમાં ભણતા અન્ય બાળકોના વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.