AHMEDABAD : અમદાવાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક ગલુડિયાની હત્યા બાબતે ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. જીવદયા પ્રેમીએ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રામાપીરની ચાલીમાં એક ગલુડિયાને લાકડી મારીને મારી નાખવામાં આવ્યું, આ ઘટનામાં બે ગલુડિયા ઇજાગ્રસ્ત થતા સારવાર કરવામાં આવી. અમરાઈવાડી પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


જામનગરમાં બનેવીએ કરી સાળાની હત્યા
જામનગરમાં કાલાવડના માછરડા ગામે હત્યાની ઘટના સામે આવી છે. પતિ પત્નીના ઝઘડામાં યુવતીના ભાઈનો ભોગ લેવાઈ ગયો છે. આ અંગે વિગતે વાત કરીએ તો રિસામણે બેસેલી પત્નીના ઘરે જઈને પતિએ હુમલો કર્યો હતો. આરોપીએ રિસામણે બેઠેલ પત્ની, સાળા અને સસરા પર હુમલો કર્યો હતો. જેમાં આરોપીના સાળાનું મોત નિપજ્યું છે, આ ઉપરાંત ઇજાગ્રસ્ત થયેલા સસરાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. 


આમ બનેવીના હાથે સાળાની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આરોપીનું નામ નરેન્દ્રસિંહ ઉર્ફે જીગો ઝાલા છે. હવે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને હત્યા અને હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીના પિતાનું તાજેતરમાં જ અવસાન થતા સાસરા પક્ષના સભ્યો ખરખરો કરવા ન જતા આરોપી ગુસ્સે ભરાયો હતો. જે બાદ આવેશમાં આવીને તે સસરાના ઘરે ગયો અને હુમલો કરી દીધો.


સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. હત્યા અંગે સામે આવેલી વિગતો મુજબ મામુલી રકમને લઈને આ હત્યા કરવામાં આવી છે. માત્ર 300 રૂપિયા માટે લાકડાંના ફટકા મારી હત્યા કરવામાં આવી છે. ઉછીના રૂપિયા પરત નહીં આપતા મિત્રએ જ મિત્રની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં અમરોલી પોલીસે હત્યારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.