AHMEDABAD : અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં  વ્યાજખોરો દ્વારા હુમલો કરી વેપારીની હત્યા કરવા મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી. પરંતુ વેપારીની હત્યા વ્યાજખોરોએ ન કરી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત વેપારીની હત્યા કરનાર અને આરોપીને છુપાવનાર સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ સામે આવ્યું કે હત્યા માત્ર એકબીજાની સામે કેમ જોવે છે. તેવી સામાન્ય બાબત પર થઈ હતી.


નિકોલ પોલીસે આ ઘટનાના આરોપીઓ રજ્જુ ઉર્ફે રાજુ ગૌડ અને હિતેશ પુનમચંદને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપી મૃતક વેપારી અમિત શાહની દુકાન પાસે ફર્નિચરનું કામ કરતા હતા અને હત્યાના દિવસે એટલે કે 10 તારીખે વેપારી અમિત શાહ દુકાનની બહાર રેલિંગ પર બેઠા હતા.તે સમયે આરોપીની સામે કેમ જોઈ રહ્યા છો. તે બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થતા આરોપી રાજુએ મૃતક વેપારીને તમાચો  મારી નીચે ફેંકી દીધો હતો.  સારવાર દરમિયાન વેપારીનું મૃત્યુ થતાં હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.


બનાવ સમય સારવાર લઈ રહેલા વેપારી અમિત શાહની પૂછપરછ કરતા તેઓએ ત્રણ વ્યાજખોરોના નામ આરોપી તરીકે લખાવ્યા હતા. જેમની પાસેથી મૃતકે 10% વ્યાજે રૂપિયા મેળવ્યા હતા. જે ફરિયાદ બાદ નિકોલ પોલીસે રાજભા અને કનુભાઈની ધરપકડ કરી હતી. જોકે અન્ય એક આરોપી કાંચા ઉર્ફે મિર રાણા ફરાર હતો..જોકે પોલીસે  સીસીટીવી ફૂટેજ તપાસતા અને બનાવ અંગેની અસલ હકીકત સામે આવતા હત્યા કરનાર રાજુ અને તેને છુપાવનાર હિતેશ પૂનમચંદની ધરપકડ કરવામાં આવી છે.


હત્યા અને વ્યાજખોરીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરનાર પોલીસ હવે મૂંઝવણમાં મુકાઈ છે કારણકે હત્યા કરનાર અને ઊંચું વ્યાજ વસૂલનાર બંને આરોપીઓ અલગ અલગ છે. ત્યારે આ ગુનામાં ઝડપાયેલા ચાર આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સાથે જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે હત્યા કરનાર અને વ્યાજે રૂપિયા આપનાર આરોપીઓ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે કેમ?

આ પણ વાંચો : 

VADODARA : 3 સ્ટાર અને 5 સ્ટાર હોટેલમાં ટેસ્ટી ખાવાના શોખીનો ચેતી જજો, આ વિડીયો જોઈ તમે ચોંકી જશો