આણંદઃ શહેરમાં ઠક્કર ખમણના નામે ધંધો કરતા અને બોરસદમાં રહેતા વેપારીની પત્નીના શંકાસ્પદ મોત મામલો મોટો ખુલાસો થયો છે. ઠક્કર ખમણના નામે ધંધો કરતા વેપારીએ જ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ધમધમતો કારોબાર છતાં દહેજ માટે પત્નીની હત્યા કરી. દહેજમાં 10 લાખ રોકડ અને સોનાની સતત માંગણી થઈ રહી હતી. પીએમ રીપોર્ટમાં પરણીતાનું ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. બોરસદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પરણીતાના પિયરવાળાએ તેમની દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતાં પોસ્ટમર્ટમ કરાયું હતું, જેમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. બોરસદની લેગસી સોસાયટીમાં રહેતા અમિત ઠક્કરના પત્ની રોક્ષાનું રહસ્યમય રીતે લગ્ન થયા છે. અમિત અને સુરતની રોક્ષા (ઉં.આશરે વર્ષ 35) સાથે પંદર વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેમને લગ્નજીવનથી એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે તેમનું બાથરૂમમાં ન્હાવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજ્યું હતું. રોક્ષાનું મોત થતાં સાસરીપક્ષવાળાએ તેના પિયરીવાળા ફોન કરી રોક્ષા પડી ગઈ હોવાની જાણ કરી હતી. જોકે, થોડાં જ સમય પછી ફરી ફોન કરીને તેનું મોત નીપજ્યું હોવાની જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં સુરતમાં રહેતા પરિણીતાના પરિવારજનો ડઘાઈ ગયા હતા. જોકે, તેઓ બોરસદ આવે એ પહેલાં તેના અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. જોકે, મૃતકના ભાઈને મોતને લઈને શંકા જતાં અંતિમવિધિ પહેલાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી. આથી બુધવારે તેનું કરમસદ ખાતે પીએમ કરતા ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. જોકે, હાલમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બહેનના મૃત્યુ પાછળ તેના સાસરીયાઓનો હાથ હોવાની શંકા ભાઈ ધવલે વ્યક્ત કરી છે.
રોક્ષાનું ગળું દબાવીને દ્વારા હત્યા કરાઈ હોવાની શંકા પિયરીના સભ્યોએ વ્યકત કરી છે. એટલું જ નહીં, બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાની વાર્તા ઉપજાવી કાઢીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી.