અરવલ્લીઃ મેઘરજના મોટીપંડુલી ગામની ૨૧ વર્ષીય કોલેજીયન યુવતીને મેઘરજ નગરમાં ચાર શખ્સોએ માર મારી મોટર સાયકલ ઉપર બળજબરી પુર્વક બેસાડી અપહરણ કરી લઇ જઇને બેડઝ ગામની સીમમાં ડુંગરોની કોતરોમાં લઇ જઇ મારી નાખી બાવળના ઝાડ ઉપર લટકાવી દેવાઇ હતી. યુવતીનો મૃતદેહ ત્રીજા દીવસે મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ગત ૧૪/૬/૨૦૨૨ના રોજ સવારે પોતાના ઘરેથી મેઘરજ ખાતે તેના કામ અર્થે આવી હતી અને બપોરે બે વાગ્યાની આસપાસ કોલેજીયન યુવતી મેઘરજ માર્કેટ યાર્ડ પાછળના ભાગે રસ્તા પર ચાલતી જતી હતી. તે વખતે બે મોટર સાયકલ ઉપર ચાર શખ્સો આવ્યા હતા, તેમાંથી એક શખ્સે યુવતીને લાફો માર્યો હતો. બીજા શખ્સે યુવતીને માથામાં પાઇપ ફટકારી હતી. જેને કારણે યુવતી ઇજાગ્રસ્ત થતાં નીચે પડી ગઇ હતી. આ શખ્સો યુવતીને ગડદાપાટુનો માર મારી યુવતીને મોટરસાયકલ ઉપર બેસાડી ગેલી માતા તરફ લઇ ગયા હતા. તે વખતે યુવતીને બચાવવા યુવતીના સબંધીએ આ શખ્સોનો પીછો કર્યો હતો.
અપહરણ કર્તા ચારે શખ્સો યુવતીને એક પંપ આગળ વન કુટીર નજીક મોટર સાયકલ ઉભી રાખી યુવતીના સંબંધી ઉપર પથ્થર મારો કર્યો હતો, જેથી યુવતીના સબંધી ઘરે જતા રહ્યા હતા અને બીજા દીવસે સમગ્ર ઘટનાની યુવતીના ઘરે જઇ વાત કરી હતી. ત્રીજા દિવસે યુવતીના પિતા મેઘરજ પોલીસ મથકે આવવા નીકળ્યા હતા, તેવામાં તેમને જાણવા મળ્યુ હતુ કે બેડઝ ગામની સીમમાં ડુંગરના કોતરમાં ઝાડ સાથે યુવતીની લાશ લટકતી મળી આવી હતી. જે ઘટના બાબતે યુવતીના પિતા જયંતી જીવા ડેડુણ (રહે.મોટીપંડુલી)એ મેઘરજ પોલીસમાં આરોપી.જીતેન્દ્ર ભીખા અસારી (રહે.વાઘપુર (ગોધાવાડા) તા. મેઘરજ) જીતેન્દ્ર ધના બરંડા (રહે.ઢીમડા તા.મેઘરજ) તેમજ અન્ય બીજા બે માણસો સામે ખુનનો ગુનો નોધાયો હતો.
કોલેજીયન યુવતી મનીષાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, તેવા સંજોગોમાં પરિવારને દીકરીની હત્યા થઇ હોવાની પ્રબળ શંકા હતી. જેથી પોલીસ અધિકારીઓને રજુઆત સાથે પુરાવા પણ આપ્યા હતા, જેના આધારે પોલીસે બે નામજોગ સહીત ચા યુવાનો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. સાથે જ પરિવારજનોએ માંગણી કરી હતી કે પહેલા આરોપીઓને ઝડપવામાં આવે ત્યાર બાદ જ મૃતદેહ ઝાડ પરથી ઉતારવામાં આવે. ત્યારે કલાકો સુધી ચાલેલી માથાકૂટમાં પરિવાજનાઓએ રસ્તો બ્લોક કરી વિરોધ દર્શાવ્યો હતો.
ગુરુવારની સામી સાંજે થયેલી બબાલ બાદ પોલીસ આખરે સમજાવવવામાં સફળ રહી હતી અને યુવતીની મૃતદેહ ઉતારવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા શુક્રવારના રોજ મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી અપાયો હતો. જ્યાં ડોક્ટર્સની પેનલ ટિમ દ્વારા તપાસ કરવામાં આવી છે. જિલ્લા નાયબ પોલીસ વડા ભરત બસિયાની ટિમ સહીત પોલીસની પાંચ ટિમો ચાર આરોપીઓને ઝડપવા માટે કવાયત હાથ ધરી છે.