Crime News: સુરત શહેરમાં 11 વર્ષની બાળાને વેસુથી ઉપાડી ડુમસની ઝાડીઓમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે હવે પોલીસે ઝડપી કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સામે આવેલી વિગતો અનુસાર મકાઈ વેચતી મહિલાએ આ બાળાને બચાવી લેતા પોલીસ કમિશ્નર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 35 વર્ષના નરાધમે બાળાને મેગીની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. આ નરાધમે જ્યારે રસ્તા કિનારે ઉભેલ મહિલા દુકાનદારને ‘અહીં પોલીસ આવે છે’ એવું પૂછતાં મહિલાને શંકા ગઈ હતી. મહિલાએ હોમગાર્ડ્સને બોલાવી આરોપીને ડુમસ પોલીસને સોંપી દેવાયો હતો. વેસુ પોલીસે અપહરણ-પોક્સોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આમ સુરતના ડુમસ ચોપાટી ગોલ્ડન બીચ પર મક્કાઇ વેચતી મહિલાની સમયસૂચકતાને કારણે 11 વર્ષની બાળકી બળાત્કારનો ભોગ બનતા બચી છે. વેસુના નેપાળી દંપતિની 11 વર્ષની દીકરીને એક ઈસમે હોટેલમાં જમવા લઈ જવાની લાલચ આપી બાઇક પર ડુમસ લઈ ગયો હતો. તેણે ચાલુ બાઇકે અપડલાં પણ કર્યાં હતાં. ચોપાટી ગોલ્ડન બીચ પર ઝાડીમાં લઈ જઈ નરાધમ રેપ કરવાનો હોય એવી મક્કાઈ વેચતી મહિલાને આશંકા ગઈ હતી.
બાળકી અને આરોપી બંનેના નિવેદનો વિરોધાભાસી
બીજી તરફ મહિલાને બાળકીની ઉંમર જોઇને પણ શંકા જતાં તેમણે એક હોમગાર્ડને આ અંગે જાણ કરી હતી. હોમગાર્ડે ડુમસ પીઆઈ અંકિત સોમૈયાને જાણ કરતાં તેમણે નજીકની ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વર બબાને જાણ કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વર ભાઈએ તાત્કાલિક બીચ પર દોડી આવી નરાધમને પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ કરી હતી. જેમાં બાળકી અને આરોપી બંનેના નિવેદનો વિરોધાભાસી આવ્યા હતા. આથી પોલીસે ઉપરી અધિકારીને પણ જાણ કરી હતી.
આરોપી અપરિણીત છે અને મજૂરીકામ કરે છે
પછી બાળકીના પરિજનોને બોલાવાયા હતા, જેમાં ખબર પડી હતી કે, આરોપી બાળકીને જમવાની લાલચ આપી વેસુથી બાઇક પર બેસાડી લાવ્યો હતો. પોલીસે શી-ટીમની સાથે બાળકીને વેસુ પોલીસ સ્ટેશને મોકલી હતી, જ્યાં બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે દીપક સત્યનારાયણ ચાવલા સામે છેડતી અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ગુનામાં વપરાયેલી બાઇક પણ કબજે લીધી છે. આરોપી અપરિણીત છે અને મજૂરીકામ કરે છે.
એક યુવક અને એક બાળકી મારી લારી પર આવ્યા
આ અંગે મહિલા દુકાનદારે કહ્યપું કે, ગત સોમવારે સવારે 10.30 વાગ્યાના અરસામાં એક યુવક અને એક બાળકી મારી લારી પર આવ્યા હતા. આ સમયે હું લારીની સાફ-સફાઈ કરતી હતી. યુવકે મોઢા પર રૂમાલ બાંધેલો હતો. યુવકે મને પૂછયું કે માસી, અહીં પોલીસવાળા ફરે છે? મહિલાએ કહ્યું કે હા. 2 હોમ ગાર્ડ આવતા રહે છે અને 2 પોલીસ અંદર પણ હોય છે. આવા પ્રશ્નથી મહિલાને આશંકા ગઈ અને મહિલાએ યુવકને બાળકીની ઉંમર પૂછી તો તેણે 20 વર્ષની કહી હતી.
ખોટું ન બોલ. છોકરી નાની છે. અહીં કેમ લઈ આવ્યો?
આથી મહિલાએ કહ્યું કે, ખોટું ન બોલ. છોકરી નાની છે. અહીં કેમ લઈ આવ્યો? તો આરોપીએ કહ્યું, માસી ફરવા આવ્યા છીએ. જો કે તે છોકરીને ઝાડીમાં આવવા બળજબરી કરતો હતો અને છોકરી ના પાડતી હતી. તેણે દુકાનદાર મહિલાને કહ્યું કે માસી મેગી બનાવી આપો. ત્યાર બાદ શંકા જતા મહિલા દુકાનદારે હોમ ગાર્ડ કિરણભાઈને આ ઘટના કહી. હોમગાર્ડે બાળકી વિશે યુવકને પૂછતાં તે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી હોમગાર્ડએ ડુમસ પોલીસને જાણ કરી હતી અને બાદમાં તેની અટકાયત કરવામાં આવી.