બનાસકાંઠાઃ પાલનપુર તાલુકા ના ફતેપુર ગામે આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. સગા પુત્રે જ પિતાની હત્યા કરી નાંખી છે. 2 દિવસ અગાઉ રાત્રે ઊંઘમાં ધોકાના ઘા મારી હત્યા કરી છે. શંકાને આધારે પાલનપુર તાલુકા પોલીસની પૂછપરછમાં કબુલ્યું હતું. જમીનની માગણીને લઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. 


આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુર તાલુકાના ફતેપુર ગામના સેધાભાઇ ભીખાભાઇ પ્રજાપતિ (ઉ.વ. 65) સોમવારે રાત્રે તેમના ખેતરમાં મોટાપુત્ર ભગવાનભાઇના ઢાળીયામાં સૂતા હતા. દરમિયાન રાત્રિના સમયે પુત્રે જ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી અને મૃતદેહ ઉપર ગોદડું ઓઢાડી ફરાર થઇ ગયો હતો.


વહેલી સવારે 5.30 કલાકે તેમના સ્વર્ગસ્થ મોટાપુત્રની પત્ની મીનાબેન અને પૌત્ર નિકુલ ખેતરમાં આવ્યા હતા. જ્યાં ગાય દોહ્યા પછી સેઘાભાઇને જગાડવા માટે બુમ પાડી હતી. જોકે, તેઓ ન ઉઠતાં ખાટલા પાસે જઇ મોઢા ઉપરથી ગોદડું લેતાં લોહીલૂહાણ અને મૃત હાલતમાં મળી આવ્યા આવ્યા હતા. આ અંગે સેધાભાઇના નાનાપુત્ર દિનેશભાઇએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પુત્ર જ હત્યારો નીકળ્યો હતો. 


અમદાવાદઃ શહેરમાં નરોડાના હંસપુરા ખાતે બંધ મકાનમાંથી 25 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મકાન માલિક છેલ્લા 16 દિવસથી યુવતીને ભાડા માટે ફોન કરતા હતા. જોકે, યુવતીએ ફોન રિસિવ ન કરતાં તેઓ ભાડુ લેવા પહોંચતાં સમગ્ર હત્યાકાંડ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, મૃતક કૈલાશબેન ચૌહાણના છૂટાછેડા થયેલા છે અને અહીં એકલી રહેતી હતી. જેમને મકાન માલિક મહેશભાઈ જોષી છેલ્લા 16 દિવસથી ભાડા માટે ફોન કરતા હતા. જોકે, તેઓ ફોન રિસિવ કરતાં નહોતા. જેથી તેઓ ભાડું લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં ઘરને બહાર તાળું મારેલું હોવાથી તેમણે તાળું તોડતા મકાનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


પોલીસમાંથી મળતી વિગતો પ્રમાણે, ગત 27મી ફેબ્રુઆરીએ અકસ્માતે મોતનો બનાવ સામે આવ્યો હતો. દેવનંદન સંકલ્પ સિટીમાં મકાનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. મકાન માલિકની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે દેવનંદન સંકલ્પ સિટીમાં બે વર્ષ પહેલાં ઈ 404 નંબરનું મકાન ખરીદ્યું હતું. આ મકાન ખેડાના રહેવાસી કૈલાશબહેન ચૌહાણને ભાડે આપેલું હતું.


છેલ્લા 16 દિવસથી તેઓ મકાનના ભાડુઆત કૈલાશ બહેનને ફોન કરતાં હતાં પણ તેમનો ફોન બંધ આવતો હતો. ત્યારે મહેશભાઈને લાગ્યું હતું કે કૈલાશ બહેન મકાન ખાલી કરીને જતા રહ્યાં હશે. મકાનનું તાળું તોડીને તેઓ ઘરમાં ગયા તો બેડ પર કૈલાશ બહેનની લાશ હતી. લાશ વિકૃત હાલતમાં હતી. પોલીસને જાણ કરતાં પોલીસે  લાશને પીએમ માટે મોકલી આપી હતી. જેમાં ખુલાસો થયો કે મહિલાને ઇજાઓ પહોંચાડતા તેને હેમરેજ થતા તેનું મૃત્યુ નીપજ્યું છે. મહિલાના પરિવારને જાણ કરતા તેમણે કૈલાશ બહેન સાથે કોઈ સંબંધ નહીં હોવાથી કોઈ કાર્યવાહી કરવી નથી તેમજ નિવેદન આપવાથી પણ ઇનકાર કરી દીધો હતો.  નરોડા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.