Banaskantha :બનાસકાંઠાના વાવ પંથકમાં સગીરા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. બે મિત્રોની મદદથી યુવકે સગીરાને તેના ઘરે બોલાવી હતી અને જો નહીં આવે તો તેના ભાઈને મારી નાખશે એવી ધમકી આપી હતી. આ ધમકીથી સગીરા ડરી ગઈ હતી. આ ધમકી આપી  દુષ્કર્મ કરનાર આરોપીએ તેના બે મિત્રોની મદદથી સગીરાને ઘરે બોલાવી હતી. 


સગીરા તેના ઘરે આવ્યા બાદ આરોપીએ તેને નિર્વસ્ત્ર કરી દુષ્કર્મ આચર્યું હતું અને આ કુકર્મનો વિડીયો ઉતાર્યો હતો. આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ અવારનવાર સગીરાને તેના ઘરે બોલાવી હતી અને મજબૂરીનો લાભ ઉઠાવ્યો હતો. 


આ ઘટનામાં સગીરાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી કે યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી અને આરોપીએ તેનો વિડીયો વાયરલ કર્યો હતો. સનગર ઘટના સામે આવ્યાં બાદ સગીરાના પિતાએ વાવ પોલીસ મથકે દુષ્કર્મી આરોપી  સહિત મદદ કરનાર બે મળી ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાને લઈ વાવ પંથકમાં ચકચાર મચી ગઈ છે. 


11 વર્ષની સગીરા સાથે રીક્ષાચાલકે કર્યા અડપલાં 
વડોદરા શહેરમાં માતા પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. પોતાની દીકરીને એકલી મુકતા પહેલા સો વખત માતા પિતા વિચાર કરશે તેવી ઘટના સામે આવી છે. વડોદરાના વરણામા પોલીસ મથકમાં બનેલા આ બનાવે ચકચાર મચાવી છે. 


આ અંગે વિગતે વાત કરીએ તો અહીં એક  રિક્ષા ચાલકે 11 વર્ષની તરૂણી સાથે શારીરિક અડપલાં કરતા ચકચાર મચી ગઈ છે. પાણી પુરી અને ચાઈનીઝ ખવડાવવાની લાલચ આપી છકડાનો ચાલક તરૂણીને નેશનલ હાઇવે નંબર 48 પર લઈ ગયો હતો,


ત્યાર બાદ નેશનલ હાઇવે 48 ઉપર નવા બની રહેલા પેટ્રોલ પંપની સામે અંધારામાં છકડો ઉભો રાખી શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. જો કે આ બનાવ બાદ તરૂણીના પરિવારજનોએ બનાવ અંગે વરણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 


પોલીસે ફરિયાદના આધારે આરોપી છકડા ચાલકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાતમા ધોરણમાં અભ્યાસ કરતી તરૂણીને પોલીસ પાસેથી ન્યાય મળે તેવી પરિવારજનોએ આશા વ્યક્ત કરી છે. આ ઘટનાની જાણ થતા જ સગીરાના માતા રડી પડ્યા હતા. હાલ વરણામાં પોલીસ મથકે નોંધાયેલ ગુનાની તપાસ કરજણ સી.પી.આઈ. જે.જી.દેસાઈ કરી રહ્યા છે.