Bengaluru Murder Case: દેશની આઈટી સિટી ગણાતા બેંગલુરુ (Bengaluru) માંથી એક અત્યંત ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 34 વર્ષીય મહિલા સોફ્ટવેર એન્જિનિયર (Software Engineer) ના રહસ્યમય મોત પરથી પોલીસે પડદો ઉચક્યો છે. શરૂઆતમાં જે ઘટના આગ લાગવાને કારણે થયેલું અકસ્માત મોત લાગતું હતું, તે હકીકતમાં એક ઠંડા કલેજે થયેલી હત્યા (Murder) નીકળી છે. પોલીસે આ કેસમાં પાડોશમાં જ રહેતા 18 વર્ષીય યુવકની ધરપકડ કરી છે, જેણે શારીરિક સંબંધ બાંધવાની ના પાડવા પર આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.

Continues below advertisement

શોર્ટ સર્કિટ નહીં, પણ મર્ડર!

ગત 3rd January ના રોજ બેંગલુરુના રામમૂર્તિ નગર વિસ્તારમાં આવેલા સુબ્રમણ્ય લેઆઉટમાં એક ભાડાના મકાનમાંથી 34 વર્ષીય શર્મિલા ડીકે નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. શર્મિલા એક પ્રતિષ્ઠિત કંપની 'એક્સેન્ચર'માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગતું હતું કે ઘરમાં આગ લાગવાને કારણે ગૂંગળામણથી તેનું મોત થયું છે. પરંતુ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસમાં કંઈક અલગ જ હકીકત સામે આવી.

Continues below advertisement

વૈજ્ઞાનિક તપાસમાં આરોપી પકડાયો

પોલીસે ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 194(3)(iv) હેઠળ અકુદરતી મોતનો ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે પોલીસની શંકા મૃતકના પાડોશમાં રહેતા 18 વર્ષીય કર્નલ કુરાઈ પર ગઈ હતી. જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

સેક્સની માંગણી અને ઘાતકી હુમલો

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કર્નલ કુરાઈ 3rd January ની રાત્રે લગભગ 9 વાગ્યે સ્લાઈડિંગ બારી વાટે પીડિતાના ઘરમાં પ્રવેશ્યો હતો. તેનો ઈરાદો મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ (Sexual Intercourse) બાંધવાનો હતો. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો અને સેક્સ માટે સ્પષ્ટ ઇનકાર કર્યો, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે બળજબરીથી મહિલાનું મોઢું અને નાક દબાવી દીધું હતું, જેના કારણે શર્મિલા અર્ધબેભાન થઈ ગઈ હતી. ઝપાઝપી દરમિયાન તેને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.

પુરાવા મટાડવા ઘર સળગાવ્યું

હત્યા કર્યા બાદ આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ભયંકર કાવતરું ઘડ્યું હતું. તેણે મહિલાના લોહીવાળા કપડાં અને અન્ય સામાન બેડરૂમના ગાદલા પર મૂક્યા અને તેને આગ ચાંપી દીધી, જેથી એવું લાગે કે આગ લાગવાથી મોત થયું છે. ત્યારબાદ તે મહિલાનો મોબાઈલ ચોરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) (હત્યા) સહિત પુરાવાનો નાશ કરવા અને દુષ્કર્મના પ્રયાસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ એકલવાયું જીવન જીવતી નોકરિયાત મહિલાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.