Bhavnagar crime news: ભાવનગર શહેરમાંથી દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિધર્મી યુવક અતીક મહેબૂબ પરમારે ઉચ્ચ અભ્યાસ કરતી એક હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને છેલ્લા 5 વર્ષ સુધી સતત બ્લેકમેઈલિંગ કરી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાના અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા, જેના જોરે તેણે સગીરાનું શારીરિક શોષણ કરવાની સાથે તેના સોનાના દાગીના પણ પડાવી લીધા હતા. આખરે, ત્રાસથી કંટાળીને પીડિતાએ 181 અભયમની મદદ લેતા બોરતળાવ પોલીસે નરાધમની ધરપકડ કરી છે.

Continues below advertisement

પરીક્ષા કેન્દ્ર પર શરૂ થઈ હતી પ્રેમજાળની રમત

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આ ઘટનાના મૂળ 5 વર્ષ ઊંડા છે. ભાવનગરનો રહેવાસી આરોપી અતીક મહેબૂબભાઈ પરમાર જ્યારે બોર્ડની પરીક્ષા આપવા ગયો હતો, ત્યારે તેની મુલાકાત પીડિત સગીરા સાથે થઈ હતી. પરીક્ષા કેન્દ્ર પર કેળવાયેલી આ સામાન્ય મિત્રતા વર્ષ 2020 માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram ના માધ્યમથી આગળ વધી હતી. આરોપીએ લલચાવી-ફોસલાવીને સગીરા સાથે સંપર્ક વધાર્યો અને પ્રેમ સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.

Continues below advertisement

બ્લેકમેઈલિંગ, દુષ્કર્મ અને લૂંટ: 5 વર્ષની યાતના

પ્રેમ સંબંધ બંધાયા બાદ આરોપી અતીકે પોતાનું અસલી પોત પ્રકાશ્યું હતું. તેણે સગીરાના આપત્તિજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ સામગ્રી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને તે સગીરાને ભાવનગરના અવાવરુ સ્થળોએ બોલાવતો અને તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. આરોપીની હવસ અને લાલચ અહીં જ અટકી ન હતી; તેણે બ્લેકમેઈલિંગ કરીને સગીરા પાસેથી સોનાના દાગીના પણ પડાવી લીધા હતા.

અમદાવાદ સુધી પીછો કર્યો અને આત્મહત્યાનો પ્રયાસ

આરોપીના સતત ત્રાસ અને દબાણને કારણે સગીરા માનસિક રીતે ભાંગી પડી હતી, જેના કારણે તે પોતાની બોર્ડની પરીક્ષા પણ આપી શકી નહોતી. અતીકના ત્રાસથી બચવા માટે તે ભાવનગર છોડીને અમદાવાદ રહેવા જતી રહી હતી, પરંતુ આરોપીએ ત્યાં પણ તેનો પીછો છોડ્યો ન હતો. અમદાવાદમાં પણ તેણે ધમકીઓ આપીને સગીરાનું જીવન નર્ક સમાન બનાવી દીધું હતું. આખરે વર્ષ 2024 માં સહનશક્તિ ખૂટી પડતાં પીડિતાએ દવાની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

181 ની મદદથી ફૂટ્યો ભાંડો

આત્મહત્યાના પ્રયાસ બાદ સગીરાના પરિવારજનોને શંકા ગઈ હતી. આખરે સગીરાએ હિંમત એકઠી કરીને 181 મહિલા હેલ્પલાઈનમાં ફોન કર્યો અને પોતાની સાથે વીતેલી આપવીતી વર્ણવી હતી. સત્ય સામે આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી અતીક પરમારની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે.

પોલીસની તપાસ તેજ

આ ચકચારી કેસ અંગે ભાવનગર શહેરના ડી.વાય.એસ.પી. (DYSP) સિંઘાલે જણાવ્યું હતું કે, બોરતળાવ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં આરોપીના મોબાઈલના કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) ની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. પોલીસ એ તપાસી રહી છે કે આ કૃત્યમાં આરોપીને અન્ય કોઈ શખ્સની મદદ મળી હતી કે કેમ. જો અન્ય કોઈની સંડોવણી ખુલશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.