Crime News: ઝારખંડમાં ફરી એકવાર ટોળાશાહીની બિહામણી તસવીર સામે આવી છે. જમશેદપુરના ગ્રામીણ વિસ્તારમાં બકરી ચોરીના આરોપમાં ટોળાએ બે નિર્દોષ લોકોને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઘટના ચકુલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોડીસા ગામમાં બની હતી, જ્યાં ટોળાએ કાયદો હાથમાં લઈને નિર્દયતાની તમામ હદો વટાવી દીધી હતી.


ગ્રામીણ પોલીસ અધિક્ષક (એસપી) ઋષભ ગર્ગે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ગઈકાલે રાત્રે બે અજાણ્યા વ્યક્તિઓ એક ઘરમાં ઘૂસ્યા હતા. ઘરના સભ્યોએ બૂમાબૂમ કરતા આસપાસના પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને બંને શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ બકરી ચોરીના આરોપમાં બંનેને લાકડીઓ અને ધોકા વડે એટલો માર માર્યો કે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ હુમલામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. ટોળાના મારના કારણે બંનેના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.


ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કેટલાક ગ્રામજનોની શંકાના આધારે અટકાયત કરી છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે. પોલીસ હાલ મૃતકોની ઓળખ મેળવવાના પ્રયાસો કરી રહી છે અને ગુનેગારોને કાયદાના સકંજામાં લેવા માટે કમર કસી છે. પોલીસે ખાતરી આપી છે કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ઝારખંડમાં ટોળાશાહીની સમસ્યાને ઉજાગર કરી છે. આ પહેલા દેવઘર જિલ્લામાં પણ એક શાળાના મુખ્ય શિક્ષકની બોમ્બ વડે હત્યા કરવામાં આવી હતી, જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિનો પુરાવો છે. જમશેદપુરની આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી છે અને સમાજમાં કાયદાનું શાસન જાળવવા માટે કડક પગલાં લેવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


આ પણ વાંચો.....


ફડણવીસ સાથે ઘમાસાણની વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી, કહ્યું - મને હલકામાં ન લેતા, સમજવાવાળા સમજી લે...


બિહારમાં ભાજ સાથે મોટો દાવ થઈ જશે! સહયોગી પક્ષે RJD સાથે જવાની ધમકી આપી