રાજકોટ: રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન  સ્થળે પહોંચ્યા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમૂહ લગ્નના નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ ગયા હતા. વાજતે ગાજતે જાન જોડી આવેલા જાનૈયાઓ જાન પરત લઈ જવાનો વારો આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસ સ્થળ પ પહોંચી હતી. 


રાજકોટ સર્વ જ્ઞાતિય સમુહ લગ્નના નામે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.  રાજકોટ શહેર SOG ટીમે આરોપીઓને ઝડપી લીધા હતા.  આરોપીઓને પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. રાજકોટ SOGની ટીમે દિલીપ ગોહિલ, મનીષ વિઠલપરા અને દિપક હીરાણીને ઝડપી લીધા છે.  જ્યારે મુખ્ય આરોપી ચન્દ્રેશ છત્રોલા હાથવેંતમાં છે.  


15-15 હજાર રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ


કન્યા પક્ષ અને વરપક્ષ બન્ને પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એન.વી ઈવેન્ટ ગ્રુપના નામથી રસીદ આપવામાં આવી હતી. ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા હતા.  તેમણે ફોન પણ સ્વીસ ઓફ કરી દીધો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી.


આયોજકો ફરાર થઈ ગયા હતા


ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા હતા.  આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી. 


આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયા  રજળી પડ્યા છે. લગ્નના વીડિયોગ્રાફીનો ઓર્ડર પણ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. એબીપી અસ્મિતા પર વીડિયોગ્રાફી કરનાર સુરેશભાઈએ દાવો કર્યો કે, રૂદ્રાક્ષ વીડિયોનો ઓર્ડર ગઈકાલે જ આયોજકોએ રદ્દ કરી દીધો હતો. ગઈકાલે ભજનનો કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પર કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવવાાં આવ્યો હતો. 


પોલીસની માનવતાથી લગ્ન વિધિ શરુ થઈ


મીડિયાની જાગૃતતા અને પોલીસની માનવતાથી લગ્ન વિધિ શરુ કરવામાં આવી હતી.  હાજર વરઘોડીયાઓની લગ્નવિધિ કરાવી આપવા પોલીસે સંકલ્પ કર્યો હતો.  દીકરીઓના ચહેરા પર હરખના આંસુ લાવવાનો સંકલ્પ સાકાર થયો હતો. રાજકોટ પોલીસે જમવાની પણ વ્યવસ્થા કરી હતી. બોલબાલા ટ્રસ્ટના સહયોગથી જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.