Crime News: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 20 વર્ષીય યુવકે ઈન્સ્ટાગ્રામ પર આધેડ વયની મહિલા સાથે મિત્રતા કરી હતી. મહિલાએ પોતાની પ્રોફાઇલમાં અન્ય એક યુવતીનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ જ ફોટો જોઈને યુવક છેતરાઈ ગયો હતો. આવી સ્થિતિમાં જ્યારે તે મહિલાને મળવા પહોંચ્યો તો તેનો ચહેરો જોતા જ તે ગુસ્સે થઈ ગયો હતો. આ બાબતે યુવકે યુવતી સાથે ઝઘડો કર્યો હતો. આ પછી યુવકે મહિલાને ખૂબ માર માર્યો અને તેનો મોબાઈલ લઈને ભાગી ગયો હતો. આ મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.


વાસ્તવમાં કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારની 45 વર્ષીય મહિલાને ઇન્સ્ટાગ્રામ પર અન્ય છોકરીનો ફોટો પોસ્ટ કરીને 20 વર્ષના યુવક સાથે વાતો કરવી ભારે પડી હતી. ચેટિંગ દરમિયાન આ મહિલાને યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેથી યુવક મહિલાને મળવા ગયો હતો. પરંતુ પ્રથમ મુલાકાતમાં યુવકે મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ પર મુકવામાં આવેલી તસવીરમાં તે વધુ સુંદર છે પરંતુ વાસ્તવમાં તે સુંદર નથી તેમ કહી દલીલો કરી હતી.


આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. લડાઈ દરમિયાન દીપેન્દ્ર સિંહ નામના યુવકે મહિલાને માર માર્યો હતો. આરોપ છે કે દીપેન્દ્રએ મહિલાનું માથું ફોડી નાખ્યું હતું. આટલું જ નહીં મહિલાનો ફોન લઇને તે સ્થળ પરથી ભાગી ગયો હતો.


નવાઈની વાત એ છે કે આ ઘટના બાદ પીડિત મહિલાએ યુવક સાથે ચેટિંગની વાત છૂપાવી હતી અને પોલીસમાં મોબાઈલ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. તેણીએ અજાણ્યા યુવક દ્વારા મોબાઈલની લૂંટ અને હુમલાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે આ બાબતે તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.


એસીપી ટીવી સિંહનું કહેવું છે કે ફરિયાદી મહિલાની મિત્રતા દીપેન્દ્ર સિંહ નામના યુવક સાથે હતી. તે તેને મળવા તેના ઘરે આવ્યો હતો. આ દરમિયાન તેની સાથે ઝઘડો થયો હતો. દીપેન્દ્રના મારથી મહિલાને માથામાં ઈજા થઈ હતી. મહિલાને ઇજા પહોંચાડ્યા બાદ તે ભાગી ગયો હતો. આ કેસમાં મહિલાએ મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ જ્યારે તેની તપાસ કરવામાં આવી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ દીપેન્દ્ર સિંહની ધરપકડ કરવામાં આવી છે.