Dahod News: દાહોદ પંથકમાં તળાવમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ઝાલોદ તાલુકાના મોટીહાંડીમાં તળાવમાં બાળકો ન્હાવા ગયા હતા ત્યારે 10 વર્ષના છોકરા અને 4 વર્ષની છોકરીનું મોત થયું હતું. 4 વર્ષીય છોકરી તેના મામાના ઘરે વેકેશન કરવા આવી હતી. ભાણીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે લઈ જવાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં કેવી સ્થિતિ રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. ગુજરાતના અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા આગામી સપ્તાહમાં હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપી છે. દાસ જણાવે છે કે, વિન્ડ પેટર્ન બદલાઈ છે, જેની અસર તાપમાન પર પણ પડી છે અને તેમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટાભાગના સેન્ટરો પર તાપમાનમાં ઘટાડો થયો છે. પાછલા 24 કલાકમાં હવામાન સૂકું રહ્યું છે અને આગામી દિવસોમાં પણ હવામાન સૂકું રહેવાની આગાહી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા પવનો અને ગરમીના કારણે અકળામણ અનુભવાશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાનની આગાહી કરીને જણાવ્યું છે કે, 4 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. આ પછી ગુજરાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.