Delhi Crime News:  દિલ્હી પોલીસે એક સગીર સાથે બળાત્કારના કેસમાં દિલ્હી સરકારના અધિકારી અને તેની પત્નીની ધરપકડ કરી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર) સાગર સિંહ કલસીએ જણાવ્યું કે આરોપીઓની ઓળખ પ્રેમોદય ખાખા (51) અને તેની પત્ની સીમા રાની (50) તરીકે કરવામાં આવી છે, જે બુરારી વિસ્તારના શક્તિ એન્ક્લેવના રહેવાસી છે. આ કેસ 13 ઓગસ્ટે નોંધવામાં આવ્યો હતો.


મામલો સામે આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા. એટલું જ નહીં, મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પાસેથી આ મામલે રિપોર્ટ પણ માંગ્યો છે. એવા અહેવાલો હતા કે આરોપી અધિકારીને મહિલા અને બાળ વિકાસ મંત્રી આતિશીના ઓએસડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન, મંત્રાલયે કહ્યું છે કે આરોપી ડેપ્યુટી ડાયરેક્ટરને આતિશીએ કાર્યભાર સંભાળ્યા બાદ તરત જ હટાવી દેવામાં આવ્યો હતો.


'અધિકારીએ મારી સાથે કામ કર્યું નથી'


આ અંગે દિલ્હીના બાળ વિકાસ મંત્રી આતિશીનું કહેવું છે કે તે મારા ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) છે તે વાત તદ્દન ખોટી છે. તેમણે ક્યારેય મારી સાથે OSD તરીકે કામ કર્યું નથી.




પોલીસે ઝડપથી કામ કરવું જોઈએ - આતિશી


સગીરા પર દુષ્કર્મ અંગે મંત્રીએ કહ્યું, "આ એક ચોંકાવનારી ઘટના છે કે આરોપી મહિલા અને બાળ વિકાસ વિભાગમાં તૈનાત હતો. તે ચિંતાજનક છે કે તેના પર સગીર પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. મને આશા છે. પોલીસ આ મામલે ઝડપી કાર્યવાહી કરશે." તેમણે કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આ ઘટનાની જાણ થતાં જ તેમણે સંબંધિત અધિકારીને આરોપી અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.


મંત્રાલય દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, તેમને 10 માર્ચ, 2023ના રોજ મંત્રીના OSD પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, જ્યારે આતિશીએ 9 માર્ચ, 2023ના રોજ મંત્રાલય સંભાળ્યું હતું. 29 માર્ચ, 2022 ના રોજ, આરોપી ડેપ્યુટી ડાયરેક્ટરને તત્કાલિન મહિલા અને બાળ વિકાસ મંત્રી કૈલાશ ગેહલોતના ઓએસડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આરોપી અધિકારી હાલમાં માત્ર દિલ્હી મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે તૈનાત હતા.


સગીરાના પિતાના મૃત્યુ બાદ થઈ હતી મુલાકાત


ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, 12માં ધોરણમાં ભણતી પીડિતા 2020માં દિલ્હીના એક ચર્ચમાં આરોપી અધિકારીને મળી હતી. તે સમયે, સગીર પીડિતા તેના પિતાના મૃત્યુ પછી શોકમાં હતી.આરોપી અધિકારીએ પીડિતાની ભાવનાત્મક નબળાઈનો ફાયદો ઉઠાવીને તેની સાથે સંબંધ કેળવ્યો હતો. આરોપી પીડિતા સાથે ઘરે આવવા લાગ્યો. FIR મુજબ, ડેપ્યુટી ડાયરેક્ટરે 2020 થી 2021 દરમિયાન 14 વર્ષની પીડિતા સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન પીડિતા ગર્ભવતી બની હતી.


પત્નીએ પીડિતાને ચૂપ રહેવા કહ્યું


જ્યારે પીડિતાને ખબર પડી કે તે ગર્ભવતી છે, તો તેણે આ વાત આરોપી ડેપ્યુટી ડાયરેક્ટરની પત્નીને જણાવી, પરંતુ તેની પત્નીએ પોલીસને ઘટનાની જાણ કરવાને બદલે તેને છુપાવવાનું શરૂ કર્યું. તેણે સગીર પીડિતાને ચૂપ રહેવા કહ્યું એટલું જ નહીં, તેના પુત્ર પાસેથી તેના ગર્ભપાત માટે દવાઓ પણ મંગાવી.પીડિતાની માતાએ પોલીસને જણાવ્યું કે ગર્ભપાતને કારણે પીડિતાની તબિયત બગડી હતી, ત્યારબાદ તે તેને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે માતાને જણાવ્યું કે તેની પુત્રીનું કેટલાય મહિનાઓથી જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે.