નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે કેટલાક રાજયોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આ દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે ઓગસ્ટના અંત સુધી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં મોનસૂન એક્ટિવ રહે તેવુ અનુમાન છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આસામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  પશ્ચિમ મધ્યપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ  વરસ્યો છે. સીતામઉમાં 08 સેમી અને શામગઢમાં 06 સેમી ભારે વરસાદ નોંધાયો છે.  પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ વરસાદ નોંધાયો છે. 






IMDનું એલર્ટ શું કહે છે?



પૂર્વીય ભારત માટે આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું છે કે,  બિહાર અને  સિક્કિમમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. બિહારના સીતામઢી, મુઝફ્ફરપુર, પટના, સમસ્તીપુર, ખગરિયા જિલ્લામાં વધુ વરસાદ પડી શકે છે.  પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં  22 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે જ્યારે યુપીમાં  22 ઓગસ્ટે હિમાચલ પ્રદેશમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. જો દક્ષિણ ભારતની વાત કરીએ તો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદ  વરસી શકે છે.       


દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી


ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  આજે  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  21, 22 ઓગસ્ટે  ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 
 
ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણમાં વરસાદની સંભાવના છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.