મુંબઈ: તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફક્ત પત્ની કમાય છે તેથી તેને પતિ તરફથી ભરણપોષણ મળશે નહીં. આ વિચારસરણી વાજબી નથી. કોર્ટે કહ્યું હતું કે પત્નીને લગ્ન દરમિયાન જે જીવનશૈલીની આદત હતી તેનાથી તેને વંચિત રાખી શકાય નહીં, ભલે તેની પોતાની આવક હોય. આ કેસ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટના એક આદેશ સાથે સંબંધિત છે, જેમાં 24 ઓગસ્ટ, 2023ના રોજ, એક પતિને તેની પત્નીને દર મહિને 15,000 રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને પતિએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

હાઈકોર્ટની સ્પષ્ટ ટિપ્પણી

જસ્ટિસ મંજુષા દેશપાંડેની સિંગલ બેન્ચે કહ્યું હતું કે, "પત્ની કમાણી કરી રહી છે તે માત્ર પતિ પાસેથી તેને યોગ્ય ભરણપોષણથી વંચિત રાખતું નથી, ખાસ કરીને જ્યારે તેની આવક તેના પોતાના ખર્ચ માટે પણ પૂરતી ન હોય." તેમણે એમ પણ કહ્યું કે પત્ની એક કોન્વેન્ટ સ્કૂલમાં સહાયક શિક્ષિકા તરીકે કામ કરે છે અને દર મહિને 18,૦૦૦ રૂપિયા કમાય છે, જ્યારે પતિની આવક 1 લાખ રૂપિયાથી વધુ છે.

પતિની આવક અને જવાબદારીઓમાં તફાવત

કોર્ટે શોધી કાઢ્યું કે પતિએ તેની વાસ્તવિક આવક છૂપાવી હતી. તેણે તેની સંપત્તિ અને જવાબદારીઓ વિશે સંપૂર્ણ વિગતો આપી ન હતી. વધુમાં પતિ પર કોઈ મોટી નાણાકીય જવાબદારીઓ નહોતી જ્યારે પત્નીને ઓછી આવકને કારણે તેના ભાઈના ઘરે તેના માતાપિતા સાથે રહેવું પડતું હતું. કોર્ટે કહ્યું હતું કે, "પત્નીની આવક એટલી ઓછી છે કે તે સ્વતંત્ર રીતે રહી શકતી નથી. તેણી તેના ભાઈના ઘરે રહેવા માટે મજબૂર છે, જે તેના અને તેના પરિવાર માટે અસુવિધાજનક પરિસ્થિતિ છે." આ નિર્ણય એવા કેસ માટે ન્યાયિક મિસાલ સ્થાપિત કરે છે જ્યાં પત્નીઓને તેમની ઓછી કમાણીના આધારે ભરણપોષણથી વંચિત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે.