આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળશે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારના 4 વાગ્યથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આરતીમાં હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીને નંદીઘોષ રથમાં, ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાયા છે. આ તમામ રથયાત્રા મંદિરના પ્રાંગણમાં ઉભા રાખવામાં આવ્યા છે. હવે થોડીવારમાં પહિંદવિધી કરવામાં આવશે.
આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાશે. આ સાથે www.jagannathjiahd.org વેબસાઇટ પર ભક્તો ઓનલાઈન રથયાત્રાના દર્શનનો પણ લાભ લઈ શકશે.
અમિત શાહે એક્સ પર રથયાત્રાની શુભેચ્છા આપતા લખ્યું છે કે, શ્રી જગન્નાથ રથયાત્રા સનાતન સંસ્કૃતિનો પવિત્ર ઉત્સવ છે, જેને દેશના દરેક ખૂણે ભક્તો દ્વારા ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. ગુજરાત પણ મહાપ્રભુના આ પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે. મહાપ્રભુ જગન્નાથજીને દરેકના સુખી અને સ્વસ્થ જીવન, સમૃદ્ધિ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરું છું.