બંગાળની લોકપ્રિય હિરોઈન રૂપા દત્તા ખીસ્સા કાપીને પૈસાની ચોરી કરતી ઝડપાઈ છે. રૂપા દત્તાની પોકીટમારીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા દરમિયાનની છે. કોલકાતાના બિધાન નગર પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે, ગત 12 માર્ચના રોજ રુપા દત્તા પોકેટમારી કરતાં ઝડપાઈ હતી. 


કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં રુપા દત્તા લોકોના પોકીટમારતી હતી અને તેમાંથી પૈસા લઈ લેતી હતી. આવા જ એક વ્યક્તિનું વોલેટ ચોરી કર્યા પછી રુપા દત્તાએ તેમાંથી રુપિયા કાઢી લીધા હતા અને તે વોલેટ (પાકિટ) ડસ્ટબિનમાં ફેંકતી જોવા મળી હતી. આ મહિલાને જોઈને પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ રુપા દત્તાની પૂછપરછ કરવામાં આવી હતી. શંકા જતાં પોલીસે તે રુપાની પૂછપરછ કરી હતી. પૂછપરછની સાથે જ તે રુપાનું પર્સ તપાસવામાં આવ્યું હતું. આ પર્સમાંથી અનેક વોલેટ મળ્યા હતા. પોલીસને રુપા દત્તા પાસેથી 75 હજાર રૂપિયા રોકડા મળ્યા હતા. 


પોલીસે રુપા દત્તાની કડક પૂછપરછ કરી હતી ત્યારે રૂપા દત્તાએ પોકેટમારી કરી હોવાનું કબૂલ કર્યું હતું. આ સાથે રુપાએ એમ પણ કહ્યું હતું કે, તે અલગ-અલગ મેળાવડાઓમાં, કાર્યક્રમોમાં અને ભીડવાળી જગ્યાએ લોકોના પર્સની ચોરી કરતી હોય છે. રૂપા દત્તા ચોરી કરતી હોવાની વાત સામે આવતા જ ચાહકોને નવાઈ લાગી હતી. રૂપા પાસેથી એક ડાયરી પણ મળી હતી. આ ડાયરીમાં અત્યાર સુધીની તમામ રકમનો હિસાબ લખવામાં આવ્યો છે.


આ એજ રુપા દત્તા છે જે 2020માં બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મૂકીને સમાચારોમાં ચમકી હતી. રુપા દત્તાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી અને અનુરાગ સાથેની વાતચીતના સ્ક્રિન શોટ શૅર કર્યા હતા. રૂપાએ કહ્યું હતું કે, અનુરાગ કશ્યપની નજરમાં કોઈ પણ સ્ત્રી માટે સન્માન નથી. અનુરાગ કશ્યપને કઠોર સજા મળવી જોઈએ અને તે ડ્રગ્સ પણ લે છે. તે પોતાના આર્ટિસ્ટને સપ્લાય કરે છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ તપાસ કરવાની જરૂર છે.