Crime News: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. GJ 03 LR નંબરની HECTOR ગાડીમાં આવેલ પાંચથી છ સખ્શોએ ફાયરિંગ કર્યું હતું. પંચ હાટડી ચોકમાં ચા પી રહેલ ચાર વ્યક્તિઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં મામદ અલી સમાને થાપાના ભાગે, જાવેદ મિંયાણાને સાથળમાં ગોળીઓ વાગી હતી જ્યારે બાબુભાઈ મેમણને ડાબા હાથના મસલ્સમાં ગોળી લાગીને સોંસરવી નીકળી ગઈ હતી જ્યારે જાહિર ધરારને સામાન્ય ઈજા પહોંચી હતી.
પોલીસે ગાડીના આધારે કોણે ફાયરિંગ કર્યું તેમની તપાસ કરી શરૂ છે. રાત્રિના બે વાગ્યે બનેલા બનાવને લઈને લોકોમાં નાશભાગ મચી હતી. બનાવની જાણ થતા ઉપલેટા પીઆઇ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઇજાગ્રસ્તોને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જોકે, આ ફાયરિંગ ક્યા કારણે કરવામાં આવ્યું તેની માહિતી સામે આવી નથી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલી યુવતીનો લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલી યુવતી મોતને ભેટી હતી. માંડવીના પુના ગામની યુવતીનો બારડોલીના મોરી ઉછરેલ ગામથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સગા ફોઈના દીકરાએ પ્રેમ સંબંધમાં હત્યા કરી યુવતીને લટકાવી દીધી હોવાની માહિતી સામે આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાના દિવસે યુવતી પરીક્ષા આપવા જવાનું કહી ઘરેથી નીકળી હતી. અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી સગા ફોઈના દિકરાએ તેની હત્યા કરી નાખી.
આરોપી યુવકે પહેલા યુવતીને ઝેરી દવા પીવડાવી બાદમાં તેના જ દુપટ્ટા વડે લટકાવી દીધી. હત્યા બાદ યુવતીના મોબાઈલ પરથી તેણીના પિતાને આત્મહત્યા કરું છું એવો પોલીસને ગેર માર્ગે દોરવા મેસેજ કર્યો હતો. પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સ્થિત એક શાળાના આચાર્ય પર બે વિદ્યાર્થીનીઓએ અભદ્ર કૃત્યનો ગંભીર આરોપ લગાવ્યો છે. પીડિત વિદ્યાર્થીનીઓએ પોલીસને લેખિત અરજી આપી છે. ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ શિક્ષણ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. પ્રિન્સિપાલ સામે ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. વાસ્તવમાં આ ઘટના પન્ના જિલ્લા મુખ્યાલયથી 100 કિમી દૂર શાહનગર સ્થિત શાળાનો છે. 12મા ધોરણમાં ભણતી બે વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બંને વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે પ્રિન્સિપાલ વિરેન્દ્ર સિંહ રાજપૂત તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે. બંનેએ પોલીસને લેખિત અરજી આપી આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.