Gujarat Politics: સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં સત્તાવાર જોડાયા છે. 27 માંથી 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા હવે પક્ષાંતર ધારો નહીં લાગે. હાલ ભાજપના 103 તો આપના 17 કાઉન્સિલર સંખ્યાબળમાં રહેશે. તો આ મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દીપ્તિ સાકરીયાએ ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઓપરેશન પાર પાડ્યું છે. ગાંધીનગરમાં પ્રફુલ પાનસેરિયાના બંગલે બેઠક થઇ હતી. જેમાં મારા સહીત ભાજપમાં જોડાયેલા આપના કોર્પોરેટર હતા.
તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ બીજેપી સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું અમે ભાજપ વિરુદ્ધ સાઈન કેમ્પિયન શરૂ કરીશું. મંત્રી પ્રફુલ્લ ભાઈના ઘરે મીટીંગ થઈ હતી. રૂપિયા 50 થી 75 લાખ આપવામાં આવ્યા છે. ધાક ધમકી અને લાલચ આપવામાં આવી છે. ભાજપે વિપક્ષને ખતમ કરવાનું ષડ્યંત્ર રચ્યું છે. તમામ લોકો ગાંધીનગર પ્રફુલ્લ ભાઈના બંગલે ગયા હતા. પ્રજા સાથે દ્રોહ કર્યો છે. લોકતંત્રની હત્યા કરી છે.
બળવો કરનારની સંખ્યા 10 થઈ ગઈ
સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી ધીમે ધીમે તૂટી રહી છે. આ પહેલા આપણા ચાર કોર્પોરેટરો બિન સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા પરંતુ આજે આમ આદમી પાર્ટીના વધુ છ કોર્પોરેટરો એ રાજીનામું આપતા બળવો કરનારની સંખ્યા 10 થઈ ગઈ છે. આજે મોડી રાત્રે ભાજપ કાર્યાલય ખાતે તમામ કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાની 2020ની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો પરંતુ પાટીદાર બહુમતી વાળા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની એક બે નહીં 27 બેઠકો આવી ગઈ હતી.
શરૂઆતમાં આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ કર્યો હતો પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલા આપના ચાર કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા પરંતુ તેઓએ રાજીનામું આપ્યું ન હતું. તેઓનું સંખ્યાબળ ચારનું હોવાથી પક્ષાંતરનો ધારો લાગી શકે તેમ હતો જેના કારણે તેઓ સત્તાવાર ભાજપમાં જોડાયા ન હતા. આજે મોડી રાત્રે અચાનક જ આમ આદમી પાર્ટીના વધુ છ કોર્પોરેટરો ભાજપમાં સત્તાવાર જોડાયા હોવાનું ભાજપ કાર્યાલય પરથી સંદેશો આવ્યો છે. જેને કારણે હવે આપમાંથી બળવો કરનારની સંખ્યા પર 10 પર પહોંચી ગયો છે જેથી હવે પક્ષાંતર ધારો લાગશે નહીં