CRIME NEWS: સુરતના ડીંડોલી વિસ્તારમાં માથાકૂટ થતા મિત્રએ જ મિત્રને રહેંસી નાખ્યો છે. હત્યારો મિત્ર અગાઉ પણ હત્યાના ગુનામાં ઝડપાયો હોવાની વાત સામે આવી છે.  ડીંડોલી વિસ્તારમાં આવેલ નંદનવન ટાઉનશીપની બાજુમાં ક્રિકેટના ખુલ્લા ગ્રાઉન્ડમાં ૩૫ વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. યુવકની હત્યા તેના જ મિત્રએ કરી હોવાનું બહાર આવ્યું છે. મૃતક મિત્ર સાથે કોઈ બાબતે માથાકૂટ થતા ગુસ્સામાં આવી મિત્રએ જ  મિત્રની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. એટલું જ નહી આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પકડાયો હતો અને થોડા સમય પહેલા જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.  


ક્રિકેટના ખુલ્લા ગ્રાઉન્ડમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી 


સુરતના ડીંડોલી વિસ્તારમાં નંદનવન ટાઉનશીપની બાજુમાં ક્રિકેટના ખુલ્લા ગ્રાઉન્ડમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા ડીંડોલી પોલીસની ટીમ સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ મહેન્દ્ર ઉર્ફે બાંગો રમેશ રાઠોડ અને તે નવાગામ સ્થિત ઘોડીયાવાડ ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરી આ મામલે તપાસ શરુ કરી હતી. વધુમાં મૃતક તેના પિતા સાથે રહેતો હતો અને તે અગાઉ લુમ્સના કારખાનામાં કામ કરતો હતો. પરંતુ હાલમાં તે બેકાર હતો. આ મામલે મૃતકના પિતા રમેશભાઈ રાઠોડે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. 


 તે ચાર મહિના જેલમાં પણ રહી ચુક્યો છે


આ ઘટનામાં પોલીસે તપાસ કરી ૩૨ વર્ષીય આકાશ ઉર્ફે લાલો ઉર્ફે ફાયરિંગ જીતુભાઈ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક મહેન્દ્ર ઉર્ફે બાંગો રમેશ રાઠોડ અને તે બંને મિત્રો છે.  અને ગઈકાલે સાંજે કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને માથાકૂટ કરી ગાળાગાળી કરી હતી. જેથી આરોપીએ ગુસ્સમાં આવી ચપ્પુ જેવા હથીયારથી ઉપરા છાપરી ઘા ઝીકી પોતાના જ મિત્રની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું  પોલીસ તપાસમાં ઝડપાયેલો આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ પણ તેણે આવી જ રીતે ડીંડોલી વિસ્તારમાં છ માસ અગાઉ પણ એકની હત્યા કરી હતી અને આ ગુનામાં તે ચાર મહિના જેલમાં પણ રહી ચુક્યો છે અને હાલમાં જ તે જામીન પર છૂટયો હતો. 


કડક પૂછપરછ કરતા તેણે જ હત્યા કરી હોવાનું કબુલ્યું


ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે યુવકની લાશ મળતા ટીમ બનાવી તપાસ શરુ કરી હતી. તપાસમાં મૃતકની છેલ્લી વખત તેના મિત્ર સાથે દેખાયો હતો.  જેથી આરોપી મિત્રની તપાસ કરી તેની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેણે જ હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. આરોપીના જણાવ્યા મુજબ આગલી રાતે કોઈ બાબતે બોલાચાલી થતા તેણે હત્યા કરી હતી જો કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરાઈ રહી છે. અગાઉ કોઈ કારણ હતું કે કેમ તે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પકડાયો હતો અને હાલમાં જ તે જમીન પર છૂટીને બહાર આવ્યો હતો. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.