તાપી: વ્યારાના કણઝા ફાટક નજીક યુવાને માલગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો છે. વ્યારાના માલીવાડ વિસ્તારમાં રહેતા યુવકે માલગાડી ટ્રેન નીચે આવી જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકનું નામ ફિરોઝ મન્સૂરી હોવાનું બહાર આવ્યું છે. અગમ્ય કારણસર આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ધોળકા ખાતે ડમ્પર રિવર્સ લેતા સમયે સર્જાયો અકસ્માત
અમદાવાદના ધોળકા ખાતે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ધોળકાના કરિયાણા ગામે ડમ્પરે રિવર્સ લેતા તેની નીચે બાઇક અડફેટે આવી ગઈ હતી. જે બાદ બાઈક પર સવાર ૩ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં પિતા-પુત્ર અને પુત્રીના એક સાથે મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
સુરતમાં 16 જેટલા વ્યાજખોરની ધરપકડ
સુરત: શહેર પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી તમામ સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે. તેમજ ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી
સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને લોકોને પરેશાન કરે છે. કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી અને પોલીસની આ કામગીરીની પ્રસંશા થઇ હતી અને સુરત પોલીસનું આ મોડલ હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. અને હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે. સુરતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી આગામી એક સપ્તાહ સુધી ગુજરાતભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે અને લોકોની ફરિયાદ સાંભળી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
આણંદમાં ખેતરમાં કામ કરતા યુવક પર વીજ તાર પડતા માથું થયું ધડથી અલગ
ખંભાતના લુણેજ ગામેના સીમ વિસ્તારમાં વીજળીનો હેવી તાર યુવક પર પડતા યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું છે. જીઈબીની ચાલુ લાઈનનો તાર પડતા યુવકનું મોત થયું છે. ખેતરમાંથી પસાર થતી ચાલુ લાઇનનો કેબલ યુવકના ગળાના ભાગે પડતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય સહિત ઘણા આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ સમયસર તંત્ર ના પહોંચી શકતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મોડેથી ઘટના સ્થળે આવવા પર જીઈબીના અધિકારીનો ધારાસભ્યએ ઉધડો લીધો હતો.