gandhinagar acb bribe trap: ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભ્રષ્ટાચાર સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં ક્લાસ-1 નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા અશ્વિન ચૌધરી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. મહિને 1.70 લાખનો તોતિંગ પગાર લેતો આ લાંચિયો અધિકારી 8 મહિના પછી નિવૃત્ત થવાનો હતો, પણ તે પહેલા જ તેના પાપનો ઘડો ફૂટી ગયો. ACB ના દરોડામાં તેમની પાસેથી રોકડ અને દાગીના મળીને કુલ 2.64 કરોડ રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં રદ થયેલી 2000 રૂપિયાની નોટોના બંડલ પણ સામેલ છે.

ACB ની ટીમે અશ્વિન ચૌધરીની કારમાંથી જ 5.51 લાખ રૂપિયાની રોકડ પકડી પાડી હતી. ત્યારબાદ જ્યારે તપાસનો દોર આગળ વધ્યો, ત્યારે તેમના ગાંધીનગર અને સુરત ખાતે આવેલા રહેણાંક મકાનો પર દરોડા પાડવામાં આવ્યા. ઘરમાંથી જે મળ્યું તે જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. તપાસમાં 1.76 કરોડ રૂપિયાની કડકડતી રોકડ અને 88 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના સિક્કા, લગડીઓ અને દાગીના મળી આવ્યા છે. આટલું જ નહીં, ચલણમાંથી રદ થઈ ગયેલી 2000 રૂપિયાની નોટોના બે બંડલ પણ ઘરમાંથી મળ્યા છે.

Continues below advertisement
Continues below advertisement

આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા તેનો પણ ACB ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. વાત એમ છે કે, સરકારે 31 મે પછી સસ્તી ચાઈનીઝ સોલાર પેનલ વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ સસ્તી પેનલો વાપરવાથી કંપનીઓને અને અરજદારોને કરોડો રૂપિયાનો ફાયદો થતો હતો. આથી, સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં સોલાર પ્લાન્ટની મંજૂરી મેળવવા માટે ફાઈલોનો રાફડો ફાટ્યો હતો. અશ્વિન ચૌધરીએ આ જ તકનો ફાયદો ઉઠાવીને સ્થળ કે નકશાની કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર જ માત્ર એક જ અઠવાડિયામાં 100 થી વધુ ફાઈલો ફટાફટ પાસ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ

નિયમો નેવે મૂકીને ફાઈલ મંજૂર કરવા માટે આ અધિકારી ફાઈલ દીઠ 4 થી 5 લાખ રૂપિયાની તગડી લાંચ લેતો હતો. કંપની અને અરજદાર સાથે જેવું સેટિંગ થાય, તે પ્રમાણે લાંચની રકમ નક્કી થતી. હવે ACB આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અશ્વિન ચૌધરીના બેંક એકાઉન્ટ, લોકર અને તેના પરિવારજનોના નામે રહેલી મિલકતોની પણ તપાસ થશે. આ ઉપરાંત, અગાઉ જે ફાઈલો ક્લિયર કરી છે તેની પણ ચકાસણી કરવામાં આવશે. આ મોટા કૌભાંડમાં લાંચ આપનારી કંપનીઓ, કચેરીનો અન્ય કોઈ સ્ટાફ કે કોઈ વચેટિયાની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.

આ પણ વાંચોઃ સુરતમાં લાંચિયો રાજ્યવેરા અધિકારી ACBના હાથે ઝડપાયો, રિફંડ માટે માંગ્યા હતા ₹15,000