ભૂજ:  કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળેથી દેશી બંદૂક સાથે આરોપી મળી આવ્યાની ઘટના અનેક વખત સામે આવી છે.  ભુજ શહેરના જાહેર માર્ગેથી દેશી બંદૂકો બનાવવાનું કારખાનું મળી આવ્યું હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે. પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે બાતમીના આધારે બંદૂક બનાવવાના કારખાનામાંથી સાધન સામગ્રી સાથે એક આરોપીને ઝડપી લેવાયા બાદ આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો છે.


એસઓજીના કર્મચારીઓ ગુનાની શોધમાં કાર્યરત હતા, તે દરમ્યાન પો.હે.કો. મદનસિંહ લાલુભા જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી. જે અન્વયે દરોડો પાડતા શહેરના દાદુપીર રોડ, ભીડગેટ બહારથી 41 વર્ષીય આરોપી અનસ ઉમર લુહાર ભુજવાળાના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન-સામગ્રી મળી આવી હતી. રૂપિયા 4600ની સામગ્રી તથા રૂ.560ના બાર બોર ગનના જીવતા કારતુસ નંગ 04 એરગનના સીસાના શોર્ટસ, સીસાના ગોળ છરા મળી આવ્યા હતા. આરોપી વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  


સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં ગેસ ગળતરથી ત્રણ શ્રમિકના મોત


સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણ વધુ એકવાર મોતની ખાણ સાબિત થઈ હતી. સુરેન્દ્રનગરના મૂળીના દેવપરામાં જીલેટીન બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા. ત્રણ શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. થોડા દિવસ પહેલા પ્રશાસને ગેરકાયદે ખાડાનું પુરાણ કર્યું ત્યાં જ અમુક શખ્સો શ્રમિકો પાસે ખોદકામ કરાવતા હતા.


શ્રમિકોના મોતને લઈ ખાડાઓ પર ગેરકાયદે કબજો જમાવનાર બે શખ્સની મૂળી પોલીસે અટકાયત કરી હતી. રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને પોલીસે ઝડપ્યા હતા.  ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, DYSP સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. ત્રણેય મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા.


થાન દેવપરા ગામમાં કોલસાની ખાણમાં ગેરકાયદે બ્લાસ્ટ કરતા સમયે ઝેરી ગેસ ગળતર થતા 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન છનુભાઇ રાવત, રામદેવસિંઘ રાવત અને રાજુભાઇ હરજીભાઇ નામના ત્રણ પરપ્રાંતિય શ્રમિકના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. દુર્ઘટના બાદ મૂળી પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને ગેરકાયદે ખોડેલા ખાડા બંધ કરવાની કામગીરી શરૂ કરી હતી. ખાડા પર ગેરકાયદે કબજો કરનાર બે શખ્શો રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી.