Priyanka Gandhi Hospitalised: ખરાબ તબિયતના કારણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લઈ શકશે નહીં. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે (16 ફેબ્રુઆરી, 2024) જણાવ્યું હતું કે તેમની તબિયત સુધરતાં જ તેઓ ભારત જોડો યાત્રાનો ભાગ બની જશે.
પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું મારી તબિયતમાં થોડો સુધારો થતાં જ હું યાત્રામાં જોડાઈશ. ત્યાં સુધી હું ચંદૌલી-બનારસ પહોંચનારા તમામ યાત્રીઓ, ઉત્તર પ્રદેશના મારા સહયોગીઓ કે જેઓ સફરની તૈયારી કરી રહ્યા છે અને મારા ભાઈને શુભેચ્છા પાઠવું છું.''
પ્રિયંકા ગાંધી શુક્રવારે જ ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેવાના હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે.
યુપીમાં યાત્રાનો રુટ શું છે ?
ભારત જોડો ન્યાય યાત્રા 16-21 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓ અને પછી રાયબરેલી અને અમેઠીમાં કાઢવામાં આવશે. 22મી અને 23મી ફેબ્રુઆરી યાત્રા માટે આરામના દિવસો છે. ત્યારબાદ 24 અને 25 ફેબ્રુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં યાત્રા ફરી શરૂ થશે.
ભારત જોડો ન્યાય યાત્રા ચંદૌલીથી વારાણસી, ભદોહી, પ્રયાગરાજ, પ્રતાપગઢ થઈને 19 ફેબ્રુઆરીએ અમેઠી પહોંચશે. અહીંથી રાયબરેલી થઈને 20મીએ લખનઉ પહોંચશે. 22મીએ લખનઉ થઈને ઉન્નાવ અને 21મી ફેબ્રુઆરીએ કાનપુર થઈને ઝાંસી પહોંચશે. ઉત્તરપ્રદેશમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધી વિવિધ વર્ગના લોકો સાથે વાતચીત કરશે અને ઘણી જગ્યાએ જાહેર સભાઓ પણ યોજાશે. ગુરુવારે રાજ્યના સહ પ્રભારી ધીરજ ગુર્જરે લખનઉમાં યાત્રાના સંચાલનને બાબતે પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી હતી.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં સપાના ઘણા નેતાઓ પણ ભાગ લેશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ જાહેરાત કરી ચૂક્યા છે. ગુરુવારે સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અને પલ્લવી પટેલે પણ કહ્યું હતું કે તેઓ યાત્રામાં ભાગ લેશે. પરતું તેઓ ક્યારે સામેલ થશે એ હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.