કેરળ હાઈકોર્ટે એક મહિલાને છૂટાછેડા આપ્યા જેના પતિએ તેના પર શંકા કરી હતી અને તેને નર્સ તરીકેની નોકરી છોડવા દબાણ કર્યું હતું. આ કેસમાં જસ્ટિસ દેવન રામચંદ્રન અને એમ.બી. સ્નેહલતાની ખંડપીઠે કહ્યું હતું કે પતિનું આ પ્રકારનું વ્યવહાર છૂટાછેડા અધિનિયમ, 1869ની કલમ 10(1)(x) હેઠળ ગંભીર માનસિક ક્રૂરતા સમાન છે, જે પતિ અથવા પત્નીને છૂટાછેડા લેવાની મંજૂરી આપે છે.
કોર્ટે જણાવ્યું હતું કે પતિ પર શંકા અને દેખરેખ રાખવી લગ્નના પાયાને નબળી પાડી શકે છે, જે વિશ્વાસ, આદર અને ભાવનાત્મક સુરક્ષા પર ટક્યા છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે શંકાસ્પદ પતિ વૈવાહિક જીવનને નર્કમાં ફેરવી શકે છે. પત્ની પર સતત શંકા અને અવિશ્વાસ પ્રેમ, વિશ્વાસ અને સમજણ પર બનેલા લગ્નના પાયાને ઝેરી બનાવે છે. શંકાસ્પદ પતિ, જે તેની પત્નીની વફાદારી પર આદતથી શંકા કરે છે, તેના આત્મસન્માન અને માનસિક શાંતિને નષ્ટ કરે છે. પરસ્પર વિશ્વાસ એ લગ્નનો આત્મા છે. જ્યારે તેનું સ્થાન શંકા લઈ લે છે ત્યારે સંબંધનો બધો અર્થ ખોવાઈ જાય છે. જ્યારે કોઈ પતિ તેની પત્ની પર કારણ વગર શંકા કરે છે, તેની ગતિવિધિઓ પર નજર રાખે છે, તેની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવે છે અને તેની વ્યક્તિગત સ્વતંત્રતામાં દખલ કરે છે ત્યારે તે પત્નીને માનસિક નુકસાન પહોંચાડે છે.
શું છે સમગ્ર ઘટના?
અગાઉ મહિલાએ તેના પતિથી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અપીલ કરી હતી. જોકે, પુરાવાના અભાવે ક્રૂરતાના આધારે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. બાદમાં મહિલાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ દંપતીએ 2013માં લગ્ન કર્યા હતા.
પત્નીને નોકરી છોડવા દબાણ કર્યું
પત્નીએ કોર્ટને જણાવ્યું કે તેનો પતિ તેમના લગ્નની શરૂઆતથી જ તેના પર શંકા કરતો હતો. તે તેના જીવનને નિયંત્રિત કરતો હતો અને તેને સતત માનસિક અને શારીરિક ક્રૂરતાનો ભોગ બનાવતો રહ્યો હતો. તેણીએ એમ પણ કહ્યું કે તેના પતિએ તેને વિદેશમાં પોતાની સાથે રહેવા માટે નર્સિંગની નોકરી છોડી દેવા દબાણ કર્યું. એકવાર તે તેની સાથે રહેવા ગઈ,ત્યારે તેણે તેના પર પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું. તે ઘણીવાર તેણીને ઘરમાં બંધ કરી દેતો અને ફોન પર કોઈની સાથે વાત કરતા રોકતો હતો.