CRIME NEWS:  અમદાવાદમાં પત્નીના હત્યા કેસમાં IB ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. સામે આવેલી વિગતો અનુસાર પત્નીની હત્યા કરવા માટે પતિએ જ સોપારી આપી હતી. આ મામલે IB ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે. મૃતક મહિલાનું નામ મનીષા દુધેલા હતું, આ કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, મુખ્ય સૂત્રધાર તરીકે પતિનું નામ ખુલ્યું હતું. 


તમને જણાવી દઈએ કે, 6 મહિના પહેલા મહિલાની હત્યા થઈ હતી. 22 જુલાઈ 2022 માં મનીષાબેનનું ખૂન થયુ હતું. જે બાદ તેમની માતાએ ફરિયાદ કરી હતી. 302 કલમ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. મહિલાના મર્ડરના આરોપીની તેલંગાણા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ગળાના ભાગે ઇજા કરી હત્યા કરાઈ હતી. આરોપીની પૂછપરશ બાદ મોટા ખુલાસા થયા હતા.


શું હતી ઘટના? 


22 જુલાઈ 2022 ના રોજ અમદાવાદના વેજલપુરમાં એક મહિલાની હત્યા થઈ હતી. તેના આરોપીઓને અઠવાડિયામાં જ ઝડપી લેવામાં આવ્યા હતા. મૃતક મહિલાનું નામ મનીષાબેન હતું. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલાના પતિ રાધાકૃષ્ણ મધુકર દુધેલા જેઓ સેન્ટ્રલ IB માં ફરજ બજાવે છે. તેણે જ 1.5 લાખ રૂપિયાની સોપારી આપીને પોતાની પત્નીનું ખૂન કરાવ્યું હતું. 


બંને પતિ પત્ની લગ્ન બાદ એક વર્ષ જ સાથે રહ્યા હતા. તેમની ફેમિલમાં પણ ઝઘડા ચાલતા હતા. પતિના આ ત્રીજા લગ્ન હતા જ્યારે પત્નીના બીજા લગ્ન હતા. મૃતક મનીષાબેને પતિ પાસેથી દર મહિને 40 હજાર રૂપિયા ભરણ પોષણ માટે માંગ્યા હતા. આરોપી પતિએ પત્નીની સોપારી ખાલીલુદિનને આપી હતી. આરોપીની તેલંગાણાથી ધરપકડ કરવામાં આવી છે.


ઉમરેઠમાં યુવતીના હત્યાના પ્રયાસ મામલે મોટો ખુલાસો?


ઉમરેઠઃ આણંદના ઉમરેઠમાં ચાર દિવસ અગાઉ યુવતીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતું કે યુવતીની હત્યા કરવાનો પ્રયાસ કોઇ અન્યએ નહી પરંતુ તેના પ્રેમીએ જ કર્યો હતો. યુવતી ગાંધીધામની રહેવાસી છે જ્યારે યુવક બનાસકાંઠાના અંબરનેસડા ગામનો રહેવાસી છે. આરોપી યુવકનું નામ રવિ રાવળ છે. યુવતી અને રવિ રાવળને કેટલાક સમયથીપ્રેમ સંબંધ હતો. બંન્ને લોકો ફરવા માટે નીકળ્યા હતા. દરમિયાન બંને ઉમરેઠમાં ભાડાના મકાનમાં રાત્રિ દરમિયાન રોકાયા હતા. જ્યા યુવતીએ ઉછીના આપેલા 40 હજાર રૂપિયા પરત માંગતા પ્રેમી યુવક રવિ રાવળ ઉશ્કેરાયો હતો અને યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. હાલમાં યુવતીની અમદાવાદ સિવિલમાં સારવાર ચાલી રહી છે. તો પોલીસે હુમલો કરનારને પકડવા માટે તપાસ તેજ કરી છે