- નિઝરના વેલદા ગામે માનવતાને કલંકિત કરતી ઘટના.
- તાપીમાં 7 વર્ષની બાળકી સાથે 60 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ આચર્યું.
- 60 વર્ષના હવસખોરે 7 વર્ષની બાળકી ને પેપ્સી ની લાલચ આપી દુષ્કર્મ આચર્યું.
- સાત વર્ષની બાળા આરોપીની દુકાને કોઈક વસ્તુ લેવા ગઇ હતી.
- દીકરી રડતી રડતી જઈ પોતાના માતા પિતાને ઘરે જઈ વાત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ.
Tapi Crime news: તાપી જિલ્લાના નિઝર તાલુકામાં એક અત્યંત નિંદનીય અને માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. વેલદા ગામે એક ૬૦ વર્ષીય વૃદ્ધ નરાધમે ૭ વર્ષની માસૂમ બાળકીને પેપ્સી આપવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગણતરીની કલાકોમાં આરોપી વૃદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નિઝર તાલુકાના વેલદા ગામની ૭ વર્ષની બાળકી ગામમાં આવેલી એક દુકાન પર કોઈ સામાન લેવા માટે ગઈ હતી. આ દુકાન ૬૦ વર્ષીય દશરથ બદુભાઈ પાડવી નામનો વૃદ્ધ ચલાવતો હતો. આ હવસખોર વૃદ્ધે ઉંમરની પણ લાજ રાખ્યા વિના બાળકીને પોતાની જાળમાં ફસાવી હતી. તેણે બાળકીને પેપ્સી આપવાની લાલચ આપી અને તેને પોતાના ઘરના ઉપરના માળે લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.
બનાવ બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી અને તેણે પોતાના માતાપિતાને આ ગંદી હરકત વિશે જણાવ્યું હતું. પોતાની દીકરીની વાત સાંભળીને પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી દશરથ બદુભાઈ પાડવીને ઝડપી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મહિલાઓ અને દીકરીઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવવાથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. તાપીમાં ૬૦ વર્ષના વૃદ્ધ દ્વારા ૭ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે મહિલાઓ અને દીકરીઓ હવે ઘરની નજીકની દુકાનમાં વસ્તુ લેવા જતી વખતે પણ સુરક્ષિત નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.