Karim Chipa arrest Kadi: ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મહિલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે મેટ્રિમોનિયલ સાઇટ પર હિન્દુ નામ ધારણ કરી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા એક શાતિર ઠગ કરીમ રફીક છીપા (સિપાઈ)ની ધરપકડ કરી છે. આરોપી પોતાનું નકલી નામ 'આદિત્ય પટેલ' જણાવીને જીવનસાથીની શોધમાં રહેતી નિર્દોષ હિન્દુ મહિલાઓને, ખાસ કરીને વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે તેણે અત્યાર સુધીમાં 100થી વધુ મહિલાઓ સાથે પ્રેમનો નાટક કરી તેમનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું છે. પોલીસે આરોપી પાસેથી નકલી ઓળખપત્રો અને હજારોની સંખ્યામાં મહિલાઓના અંગત ફોટો-વીડિયો જપ્ત કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
'આદિત્ય પટેલ' બનીને મહિલાઓનો વિશ્વાસ જીતતો હતો
પોલીસ કસ્ટડીમાં રહેલો કડીનો રહેવાસી કરીમ છીપા સોશિયલ મીડિયા અને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર ખૂબ સક્રિય હતો. તે મહિલાઓને પોતાને મોટો બિઝનેસમેન અને MBA ભણેલો હોવાની ખોટી ઓળખ આપતો હતો. એટલું જ નહીં, મહિલાઓની સહાનુભૂતિ મેળવવા માટે તે પોતાની પત્નીનું અવસાન થયું હોવાના ખોટા મેડિકલ સર્ટિફિકેટ પણ બતાવતો હતો. સાઇટ પર સંપર્ક થયા પછી તે મહિલાઓને મોંઘી ગિફ્ટ આપીને અને તેમની વધુ પડતી કાળજી રાખીને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો. એકવાર મહિલાઓ તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી લે, એટલે તે નવો ધંધો શરૂ કરવાના બહાને તેમની પાસેથી મોટી રોકડ રકમ અને વાહનો પડાવી લેતો હતો.
મોબાઈલમાંથી મળ્યો વાંધાજનક ડેટા અને નકલી દસ્તાવેજો
મહિલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કરીમ તદ્દન બેરોજગાર હતો અને માત્ર પૈસા કમાવવા તેમજ લવ જેહાદના ઈરાદાથી આ આખું નેટવર્ક ચલાવતો હતો. પોલીસને તેના મોબાઈલ ફોનમાંથી 20થી વધુ મહિલાઓની પ્રોફાઈલ અને અલગ-અલગ મહિલાઓના આશરે 8,000થી વધુ અંગત પળોના ફોટો અને વીડિયો મળી આવ્યા છે, જેનો ઉપયોગ તે બ્લેકમેલિંગ માટે કરતો હોવાની આશંકા છે. આ સિવાય, હિન્દુ મહિલાઓને છેતરવા માટે તેણે આદિત્ય પટેલના નામે નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જેવા બોગસ સરકારી દસ્તાવેજો પણ બનાવ્યા હતા, જે પોલીસે જપ્ત કર્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટના ઉપલેટામાં શરમજનક ઘટના: વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની અટકાયત
ઓર્ગેનાઈઝ્ડ ગેંગની આશંકા, અન્ય આરોપીઓની શોધખોળ શરૂ
છેલ્લા 1 વર્ષથી આ કાળા કારોબારને અંજામ આપનાર કરીમ સિપાઈને મહિલા પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ ભેગો કરવાનો આદેશ આપ્યો છે. પોલીસને શંકા છે કે આ આરોપી લવ જેહાદ ચલાવતી કોઈ મોટી ઓર્ગેનાઈઝ્ડ ગેંગ સાથે જોડાયેલો હોઈ શકે છે. તેના આ નકલી દસ્તાવેજો બનાવવામાં અન્ય કયા લોકોએ મદદ કરી હતી, તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. મહિલા પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
