અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022ની સીઝનમાં પહેલી વાર રમનારી લખનઉની ત્રણ ખેલાડીની પસંદગી કરી લીધી છે. લખનઉએ કે.એલ.રાહુલને 15 કરોડ રૂપિયા, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્ક્સ સ્ટોઈનિસને 11 કરોડ અને રવિ બિશ્નોઈને 4 કરોડ રૂપિયા આપીને ખરીદ્યા છે. લખનઉ ટીમની કેપ્ટન્સી પણ કે.એલ.રાહુલને સોંપવામાં આવશે.
છેલ્લી સીઝનમાં પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ કે.એલ.રાહુલને 11 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો. હવે રાહુલને લખનઉની ટીમે રૂપિયા 4 કરોડ વધારે આપીને પોતાની ટીમમાં લીધો છે. આ પહેલાં અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને 7 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં લીધા હોવાના અહેવાલ આવ્યા છે.
આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે અને 5 વર્ષ પછી ફરીથી આઈપીએલમાં કમબેક કર્યું છે. આ પહેલાં ગોયન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ હતી. CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.
કે.એલ.રાહુલ આઈપીએલ ચેમ્પિયન બનનારી એક પણ ટીમનો હિસ્સો રહ્યો નથી, પરંતુ તેણે બેટિંગ કરી મોટા ભાગની સીઝનમાં 500થી વધારે રનનો સ્કોર કર્યો છે. IPL 2020માં રાહુલે શાનદાર પ્રદર્શન દાખવી ઓરેન્જ કેપ મેળવી લીધી હતી.
ઓસ્ટ્રેલિયન માર્ક્સ સ્ટોઈનિસ દિલ્હી માટે છેલ્લી 3 સીઝનથી રમે છે. સ્ટોઈનિસે IPLમાં કુલ 56 મેચ રમીને 135.81ના સ્ટ્રાઈક રેટથી 914 રન કર્યા છે. સ્ટોઈનિસે 30 વિકેટ પણ લીધી છે. રવિ બિશ્નોઈ પણ IPLની 23 મેચમાં 24 વિકેટ લઈ ચૂક્યો છે. રાહુલની સાથે સ્ટોઈનિસ અને બિશ્નોઈ પણ પંજાબ માટે રમી ચૂક્યા છે.
અમદાવાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સે છૂટા કરેલા હાર્દિક પંડ્યાને ટીમમાં લીધો છે. જાણીતી ક્રિકેટ વેબસાઈટ espncricinfoના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022ની સીઝનમાં પહેલી વાર રમનારી અમદાવાદની ટીમે ખરીદ્યો છે.