Kutch Honey Trap : ભુજ અને મુંબઈના મોટાં માથાઓએ ગાંધીધામના વેપારીને હનીટ્રેપમાં ફસાવી ૧૦ કરોડ માંગ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીધામના ફાયનાન્સરને હનીટ્રેપમાં ફસાવી ભુજમાં 10 કરોડની ખંડણી માંગવામાં આવી છે. અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નાણા પડાવા કાવતરૂ રચવામાં આવ્યું હતું. ત્યારે વેપારીએ યુવતી સહિત આઠ શખ્સો વિરૂધ ભુજમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગાંધીધામના એક ફાયનાન્સરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, થોડા મહિના પહેલા તેને વડોદરાની અને હાલ સુરત રહેતી આશા નામની યુવતી સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક થયો હતો. તેમજ આ પછી તેની સાથે મૈત્રી કરી હતી. દરમિયાન યુવતી ગાંધીધામ ફાયનાન્સરને મળવા માટે આવી હતી. અહીં યુવતીએ ફાયનાન્સરને હોટલમાં મળવા બોલાવ્યો હતો.
અહીં ફાયનાન્સરે યુવતી સાથે અંગતપળો માણી હતી. જોકે, યુવતીએ આ અંગતપળોનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ યુવતીએ પહેલા તો 20 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ પછી 50 હજારની માંગણી કરી હતી. જોકે, ફાયનાન્સરે આપવાની ના પાડતાં અન્ય આરોપીઓએ ભુજ મળવા બોલાવી વીડિયો બતાવ્યો હતો તેમજ મામલો પતાવવા માટે અન્ય શખ્સોનો કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું.
જેમની સાથે વાત કરતાં તેમણે વીડિયો વાયરલ ન કરવાના બદલામાં 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. બીજી તરફ ફાયનાન્સરે હનીટ્રેપમાં ફસાયાનું જણાતા ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે. આ હનીટ્રેપની તપાસ હાત એલસીબીને સોંપવામાં આવી છે તેમજ આરોપીઓને પકડવા તપાસ તેજ કરવામાં આવી છે.