Crime News: ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં માલધારી યુવકની હત્યા કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા સામાન્ય બોલાચાલી બાદ મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. કૌશિક મેર નામના યુવકની ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.જે બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો.
આજે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. આ ઘટનાને લઇ ભરત નગર પોલીસમાં ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
સુરતમાં 10 વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા
સુરત જિલ્લામાં અપહરણ અને હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડોદરા ચાર રસ્તા વિસ્તાર ખાતેથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તાના શિવમ સત્યમ નગરમાં રહેતા અમરેન્દ્રન ઉર્ફે શિવમ 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 8 તારીખની સાંજે ક્રિષ્ના નગરમાંથી ટ્યુશન કલાસમાંથી પરત ફરતો હતો તે દરમ્યાન નજીકમાં જ રહેતા સોનુ અને મોનું નામના ઈસમોએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને શિવમનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ શિવમના પિતા સુધીર કુમાર મહતો ,(જહાનાબાદ બિહારના રહેવાસી )પાસે ફોન કરી કરી 50 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
જોકે ફરીથી બીજા દિવસે ફોન કરી 15 લાખની માંગણી કરી હતી. જોકે બાળકના પિતા સુધીર કુમારે સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરી દેતા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી અને જિલ્લા પોલીસની 12 જેટલી ટીમો છેલ્લા 24 કલાકથી આરોપી અને બાળકની શોધખોળ કરી રહી હતી. આ દરમ્યાન આજે સવારે 5 આરોપીઓ પૈકીનો ઉમંગ નામનો આરોપી પોલીસે સુરતના અમરોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો.
પહેલા તો ઝડપાયેલા આરોપી ઉમંગે ગોળ ગોળ વાતો કરી હતી પરંતુ પોલીસે કડકાઈ બતાવતા કબૂલાત કરી લીધી હતી અને શિવમની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. અપહરણકારોએ આરોપી બાળકની અપહરણ કરી હત્યા કરી નાખી હતી અને મૃતદેહને કામરેજના ઉંભેળ ગામની સીમમાં જંગલ જેવી અવાવરું જગ્યાએ ઝાડી ઝાંખરામાં છુપાવી દીધો હતો. હાલ પોલીસે બાકીના ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મહત્વનું છે કે અપહરણ કરતા આરોપી સોનુ અને મોનું બંને ભાઈ છે અને બાળક શિવમના ઘર પાસે જ રહેતા હતા. બંને આરોપી વિરુદ્ધ અગાઉ હત્યાનો ગુનો નોંધાયો છે અને બંને સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈ બહાર ફરી રહ્યા છે. ઘટનાના દિવસે પણ બાળક શિવમને ઘરે છોડી દેવાનું કહી રિક્ષામાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. હાલ પોલીસ આરોપીને ઝડપી પાડવા સમગ્ર વિસ્તાર કોર્ડન કરી સર્ચ કરી રહી છે.
તો બીજી તરફ પીડિત પરિવારે કડોદરા પોલીસ મથકની બહાર ચક્કાજામ કર્યો છે. રોષે ભરાયેલા બાળકના પરિવારજનોએ ચક્કાજામ કર્યો છે. બાળકના મૃતદેહને પીએમ માટે નહીં લઈ જવા દેવા માટે ચક્કાજામ કર્યો છે. પરિવારની મહિલાઓ રોડ પર સુઈ રોષ ઠાલવી રહી છે.