Vietnam Fire: વિયેતનામની રાજધાની હનોઈમાં એક એપાર્ટમેન્ટમાં બુધવારે (13 સપ્ટેમ્બર) સ્થાનિક સમય અનુસાર અડધી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગમાં આગ લાગવાના કારણે લગભગ 50 લોકોના મોત થયા છે. ANIના અહેવાલ અનુસાર, વિયેતનામ ન્યૂઝ એજન્સી (VNA)એ જણાવ્યું કે આગ 13 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યે લાગી હતી. આગ નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા.






વિયેતનામની રાજધાની હનોઈમાં જે બિલ્ડીંગમાં આગ લાગી તે શહેરના રહેણાંક વિસ્તારમાં એક સાંકડી ગલીમાં આવેલી હતી. જો કે, આગ લાગ્યા બાદ રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, જેના કારણે લગભગ 70 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 54 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.                 


પીડિતોમાં ઘણા બાળકો પણ સામેલ છે


ઈમારતમાં લાગેલી આગનો ભોગ બનેલા લોકોમાં ઘણા બાળકો પણ સામેલ છે. રાત્રે લાગેલી આગ બાદ આજે દિવસ દરમિયાન બિલ્ડીંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. એએફપીના અહેવાલો અનુસાર, બિલ્ડિંગની નાની બાલ્કનીઓ લોખંડથી ઘેરાયેલી હતી, એપાર્ટમેન્ટ બ્લોકમાં કોઈ ઇમરજન્સી દરવાજો નહોતો.                                     


ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ ઘણા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. બ્લોક નજીક રહેતી એક મહિલાએ ઘટના સ્થળે એએફપીને જણાવ્યું કે એપાર્ટમેન્ટ સંપૂર્ણપણે બંધ હતું, લોકોને બચવા માટે જગ્યા પણ મળી રહી ન હતી.                                 


આ સિવાય લોકો ઉંચી ઈમારતોમાંથી નાના બાળકોને આગની જ્વાળાઓથી બચાવવા માટે ફેંકી રહ્યા હતા. વિયેતનામમાં તાજેતરના વર્ષોમાં અનેક જીવલેણ આગની ઘટનાઓ બની છે.