ભુજઃ શહેરના ગણેશનગરમાં પરણીત યુવતીના આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીએ આત્મહત્યા નહીં, પરંતુ તેની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તેમજ આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ તેના જ પતિએ કરી હોવાનું સામે આવ્યું છે. પતિના લગ્નેત્તર સંબંધ મુદ્દે બંને વચ્ચે બબાલ થતાં યુવકે પત્નીને ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ કેસ ઉકેલી નાંખ્યો છે.

મળતી વિગતો પ્રમાણે, દસ વર્ષ પહેલા દિનેશ અને હીનાએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી દિનેશ કોઈ કામ કરતો નહોતો અને પત્ની સાથે મારકૂટ કરતો. અનેકવાર પરિણીતાને પરાણે પિયર પણ મૂકી જતો હતો. જોકે, દીકરીનો સંસાર બગડે નહીં, તે માટે તેઓ સમજાવીને તેને પતિ પાસે મોકલી આપતા હતા.

છેલ્લા દોઢ વર્ષથી તેઓ ગણેશનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અહીં ત્રણ દિવસ પહેલા હિનાની રહસ્યમય હાલતમાં ઘરમાંથી લાશ મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, પતિ પત્નીએ આપઘાત કર્યો હોવાનું રટણ કરતો રહ્યો હતો.

જોકે, પોલીસે લાલ આંખ કરતા દિનેશ ભાંગી પડ્યો હતો. તેમજ પોતે જ દુપટ્ટાથી ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું હતું. હીનાની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, બનાવના દિવસ દીકરી પતિના મોબાઇલમાં અન્ય યુવતીનો ફોટો જોઇ ગઈ હતી. દીકરીએ આ ફોટો અને તેની સાથે ફોન પર થતી વાતો અંગે પૂછપરછ કરતાં પતિ મારકૂટ કરતો જણાવ્યું હતું. તેમજ યુવતીનો ફોટો મોકલ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આમ પતિએ અફેરને કારણે હત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જોકે, પતિએ પત્નીના મોતને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.