Mobri News: મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. સગા બાપે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. બાપ છેલ્લા પાંચ વર્ષથી સગી દીકરીને પીંખતો હતો. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.


કેવી રીતે ફૂટ્યો ભાંડો

દીકરી સગીરા હતી ત્યાંથી સગો બાપ દુષ્કર્મ આચરતો હતો. પીડિતા ઘરમાં બે ભાઈઓ અને માતા-પિતા સાથે રહેતી હતી. ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ગઈ તે દરમિયાન ભોગ બનનારે પોલીસને ઘરમાં નથી રહેવું તેમ વાત કરી હતી. બાદમાં પોલીસે સખીવન સ્ટોપનો સંપર્ક કરી ભોગ બનનારનું કાઉનસિલીંગ કર્યું હતું. જેમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી હતી.


ડભોઈમાં ભાભી બોલાવે છે તેમ કહી સગીરાને બોલાવી દુષ્કર્મ આચર્યું


ડભોઇ તાલુકામાં રહેતી સગીર વયની એક યુવતીને તારી ભાભી બોલાવે છે તેમ કહી કુંઢેલા ગામની સીમમાં મિમસીટી ખાતે રહેતો નવાબ સિકંદર મુલતાની નવા બનતા મકાનમાં લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યું હતું. નવાબ મુલતાનીએ બાદમાં સગીરાને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


જંબુસર એસટી ડેપોમાં વૃદ્ધ પર એસટી ફરી વળી


ભરૂચના જંબુસર એસટી ડેપોમાં બસના પૈડા ફરી વળવાનો સિલસિલો યથાવત છે. આજે એક વૃદ્ધ પર એસટી બસના પૈડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત થયું હતું. અગાઉ પણ એક વિદ્યાર્થીના પગ પણ એસટી બસના પૈડા ફરી વળ્યા હતા. આજની ઘટનામાં સરફુદ્દીન મયુદ્દીન મલેકનું મોત થયું છે.


તમે કામ ધંધો કરતા નથી ચા નાસ્તો નહીં મળે તેવું જણાવતા પતિએ પત્નીની હાથની આંગળી બચકું ભરી છૂટી પાડી દીધી


વડોદરા શહેરના બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં પત્નીએ તમે કામ ધંધો કરતા નથી જેથી ચા નાસ્તો નહીં મળે તેમ જણાવતા ઉશ્કેરાયેલ પતિએ પત્નીની હાથની આંગળી બચકું ભરી છૂટી પાડી દેતા કિસ્સાએ ચકચાર જગાવી મૂકી છે. ફરીયાદી ચંપાબેન નરેશભાઈ માછી (રહે-બામણગામ તા.બોરસદ ) એ ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા.02/01/2023 ના રોજ હું રસોડામાં ચા નાસ્તો કરતી હતી. ત્યારે મારા પતિ નરેશભાઈ સાડા સાત વાગ્યાના સુમારે ઉઠીને કહ્યું હતું કે, મારા માટે ચા નાસ્તો રહેવા દેજો. ચંપાબેનએ વધુમાં જણાવ્યું હતું કે તમે કોઈ કામ ધંધો કરતા નહી જેથી ચા નાસ્તો મળશે નહી. જેથી પતિએ મારા ડાબા હાથની વચ્ચેની મોટી આંગળીમા બચકુ ભરી આગળનો ભાગ આંગળીથી અલગ કરી નાખ્યો હતો. જેથી ખાનગી સર્જીકલ હોસ્પીટલ ઓપરેશન કરાવ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.