Mumbai Crime News:  મુંબઈના થાણેના રોબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તો ન આપવા પર ગુસ્સે ભરાયેલા સસરાએ પોતાની પુત્રવધૂને કથિત રીતે ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી.


ગોળી મારી સસરો થયો ફરાર


પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાબોડી વિસ્તારની રહેવાસી 42 વર્ષીય મહિલાને પેટમાં ગોળી વાગી છે. રાબોડી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સંતોષ ઘાટેકરે જણાવ્યું હતું કે આરોપી કાશીનાથ પાંડુરંગ પાટીલ (76) વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને આર્મ્સ એક્ટની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.


રાબોડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ ઘાટેકરે જણાવ્યું કે આરોપી કાશીનાથ પાટીલ તેની પત્ની અને પરિવારજનો સથે નજીવી બાબતે હંમેશા ઝઘડો કરતો હતો તે ઘણા સમયથી પત્ની સાથે વાત પણ કરતો નહોતો. પુત્રવધૂ નાસ્તો આપતા હતા. કુટુંબીજનો દેખરેખ રાખતા હતા. આમ છતા તે પાડોશીને તેમની ફરિયાદ કરતો હતો. જેને લીધે સસરા કાશીનાથથી પુત્રવધૂ નારાજ હતી. તેણે ગઈ કાલે સવારે કાશીનાથને ચા સાથે નાસ્તો આપ્યો નહોતો. આ મુદ્દે તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી. પછી રોષે ભરાયેલા કાશીનાથે રિવોલ્વર કાઢીને પુત્રવધૂ સીમા પાટીલ (ઉં. વ. 42) પર એક ગોળી ફાયર કરી હતી. તેને પેટમાં ગંભીર ઈજા થઈ હતી. વૃદ્ધ કાશીનાથ પુત્રવધૂને બીજી ગોળી મારવાનો હતો, પણ નોકરાણીએ તેને પકડી લીધો હતો.


બીજી પુત્રવધૂએ પોલીસને કરી જાણ


આ ઘટના બની ત્યારે આરોપીની પત્ની, બીજી પુત્રવધૂ, નોકરાણી હાજર હતા.  આરોપીની બીજી પુત્રવધૂએ પોલીસને આ સમગ્ર મામલાની માહિતી આપી હતી. તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે સવારે લગભગ 11.30 વાગ્યે બની હતી. પીડિતાએ ચા સાથે નાસ્તો ન આપતાં આરોપી ગુસ્સે થઈ ગયો. આ પછી તેણે પોતાની રિવોલ્વર કાઢી અને પુત્રવધૂને ગોળી મારી, તેને ઈજા થઈ. આ પછી પરિવારજનોએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરી. પોલીસ અધિકારી ઘાટકરે કહ્યું કે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું સસરાએ આ હુમલો કોઈ બીજાની ઉશ્કેરણી પર કર્યો છે.