OAJ Institute Bhavnagar attack: ભાવનગર શહેરમાં આવેલી પ્રતિષ્ઠિત OAJ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ઇન્સ્ટિટયૂટની અંદર જ એક વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, જેના પગલે સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રીનેટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના વિદ્યાર્થીને ઇન્સ્ટિટયૂટના વેઇટિંગ રૂમમાં બોલાવી અચાનક છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો છે, જ્યારે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, કાર્તિક મનસુખભાઈ નાગોતરા નામના વિદ્યાર્થીને કોઈ અજાણ્યા શખ્સે વેઇટિંગ રૂમમાં બોલાવ્યો હતો અને ત્યાં પહોંચતા જ તીક્ષ્ણ હથિયાર વડે તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કાર્તિકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તે ICUમાં સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. OAJ ઇન્સ્ટિટયૂટ જેવી સંસ્થા જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યાં આ રીતે જીવલેણ હુમલો થતાં સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. વાલીઓ દ્વારા સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટનાને લઈને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ શાળા મેનેજમેન્ટ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "ઇન્સ્ટિટયૂટમાં વિદ્યાર્થીઓની સલામતી શું છે? જો કોઈ વાલીને પણ મળવું હોય તો કલાકો સુધી બહાર રાહ જોવી પડે છે, તો પછી આ હુમલાખોર તીક્ષ્ણ હથિયાર સાથે ઇન્સ્ટિટયૂટમાં કેવી રીતે ઘૂસી ગયો?" તેમણે સંસ્થાના મેનેજમેન્ટ સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ હુમલો પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો હોઈ શકે છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી કાર્તિકે સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે ફોન પર વાતચીત કરી હતી અને એ વાતથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીનીના પિતા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસ હાલમાં ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી રહી છે અને હુમલાખોરને પકડવા માટે તપાસ તેજ કરી છે. OAJ ઇન્સ્ટિટયૂટમાં વિદ્યાર્થી પર થયેલા આ હુમલાના પગલે સમગ્ર ભાવનગર શહેરમાં ચિંતા અને ખળભળાટ મચી ગયો છે. લોકો સંસ્થામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતાતુર બન્યા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
આ પણ વાંચો...
સાયલામાં ધોળા દિવસે ખૂની ખેલ: "મારાથી સારા લગ્ન કેમ કર્યા?" કહી યુવાનને રહેંસી નાંખ્યો