Crime News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેરમાં લગ્નને લઈને થયેલી સામાન્ય બોલાચાલીએ એક કરૂણ અંજામ આપ્યો છે. હોળીધાર વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં હિંમત પંડ્યા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ભત્રીજીના લગ્ન સારી રીતે થતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ "મારાથી સારા લગ્ન કેમ કર્યા?" એમ કહી હુમલો કર્યો હતો, જેના પરિણામે આ હત્યા થઈ.
આ ચકચારી ઘટનામાં સામે આવ્યું છે કે આરોપીઓમાં હોમગાર્ડનો કમાન્ડર અને હોમગાર્ડમાં ફરજ બજાવતા તેમના ભાઈઓ પણ સામેલ છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાસ્થળે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, સાયલામાં ધોળા દિવસે બનેલી આ હત્યાની ઘટનામાં તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હત્યાના બનાવને પગલે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
આ ઘટના અંગે વધુ માહિતી આપતા લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, “આજે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુઃખદ બનાવ બન્યો છે. જેમાં નજીકમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં હિંમત લઘરાભાઈ પંડ્યા નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક હિંમત પંડ્યા અને આરોપીઓના પરિવાર વચ્ચે લગ્નના આયોજન બાબતે કોઈ સામાન્ય વાતચીત ઉગ્ર બની હતી.”
ડીવાયએસપી રબારીએ વધુમાં જણાવ્યું કે, “બોલાચાલી બાદ જ્યારે હિંમત પંડ્યા પોતાના ઘરેથી બહાર નીકળતા હતા, ત્યારે આરોપીઓએ તેમને રસ્તામાં રોકી માર માર્યો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેમનું મૃત્યુ નીપજાવ્યું હતું. મૃતક હિંમત પંડ્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ મોકલવામાં આવ્યો છે. હાલમાં, આ કેસમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ફરિયાદી પક્ષને પોલીસ સ્ટેશન લાવીને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.”
હાલ સાયલા પોલીસ દ્વારા આ કેસની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે સાયલાના હોળીધાર વિસ્તારમાં ધોળાદિવસે બનેલી આ હત્યાની ઘટનાએ ચિંતાજનક વાતાવરણ ઊભું કર્યું છે. સામાન્ય બોલાચાલીમાં થયેલી હત્યાએ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી છે.
આ પણ વાંચો...
થરાદના ખેગારપુરામાં માટી ખોદતા મજૂરો પર કાળ ત્રાટક્યો: રેતીના ટ્રકે ૪ જીંદગીઓનો લીધો ભોગ